
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા મથામણ કરી રહી છે. જે સંદર્ભે રાજ્યમાં 21 નવેમ્બરથી જન આક્રોશ યાત્રા શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂ થનારી આ કૂચ ઉત્તર ગુજરાતના જિલ્લાઓના ગામો અને નગરોમાંથી પસાર થઈને બેચરાજી ખાતે સમાપ્ત થશે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રવિવારે જણાવ્યું હતું કે, આ પક્ષ બે મહિનાથી વધુ સમયમાં ગુજરાતના તમામ પ્રદેશોમાં આવી રેલીઓ યોજશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, રેલી દરમિયાન કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વધતા ભાવો, પાકના નુકસાન માટે ખેડૂતોને પૂરતું વળતર ન મળવું અને મનરેગા તથા નલ સે જલ જેવી સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.
100 ટકા વળતરની માંગ
ચાવડાએ કહ્યું, જ્યારે ખેડૂતોને 50,000 રૂપિયાના નુકસાન સામે માત્ર 3500 રૂપિયાનું વળતર મળે છે, ત્યારે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. અમે પાકના તમામ નુકસાન માટે 100 ટકા વળતરની માંગણી કરીશું.
ભ્રષ્ટાચારમાં લીન છે સરકાર
ચૌધરીએ કહ્યું, મનરેગા તેમજ નલ સે જલ યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારના પુરાવા આપવા છતાં, સરકાર સત્તાધારી પક્ષના નેતાઓ અને તેમના પરિવારના સભ્યો સામેની કાર્યવાહીમાં ધીમી ગતિએ ચાલી રહી છે.



