પાટીદારોને આકર્ષવા કોંગ્રેસની ટેમ્પલ પોલિટિક્સ! ખોડલધામમાં ધજા ચઢાવી ચૂંટણીનું રણશિંગુ ફૂંકાશે!

અમદાવાદ: વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે પ્રાણવાયુ પુરનારી સાબિત થઈ અને ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતને જે સક્ષમ વિપક્ષની ખોટ હતી તેનો વિકલ્પ કદાચ આમ આદમી પાર્ટી બની રહી હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. ત્યારે હવે એકસમયે સત્તાધારી અને પાછળથી વિપક્ષમાં પણ હાંસિયામાં ધકેલાઇ રહેલી કોંગ્રેસે હવે સ્થાનાઇક સ્વરાજ્યની ચૂંટણીમાં જોર લગાવવા પ્રયત્ન કરી રહી છે. અને આ માટે કોંગ્રેસે પણ પાટીદારોને રિઝવવાના પ્રયાસ શરૂ કર્યા છે.
કોંગ્રેસના આ ‘ટેમ્પલ પોલિટિક્સ’ હેઠળ 28મીએ ખોડલધામ ખાતે ખોડિયાર માતાના દર્શન કરી ધજા ચઢાવવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સૌરાષ્ટ્રના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે, આ તકે પાટીદાર સમાજના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ પાટીદાર નેતાઓની નારાજગી દૂર કરીને તેમને રિઝવવાનો છે.
નોંધનીય છે કે, ભૂતકાળમાં શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ પાટીદાર નેતાઓએ પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજમાંથી બનાવવાની માંગ કરી હતી, પરંતુ અમિત ચાવડાની નિમણૂક થતાં પાટીદાર નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં પાટીદારોની નારાજગી કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડી શકે તેમ હોવાથી, કોંગ્રેસ માટે આ સમુદાયને મનાવવો અનિવાર્ય બની ગયો છે. કોંગ્રેસનું આ પગલું 2017ની ‘નવસર્જન યાત્રા’ની યાદ તાજી કરાવે છે, જેની શરૂઆત પણ ખોડલધામના દર્શન સાથે થઈ હતી.
ખોડલધામના કાર્યક્રમ પહેલાં આજે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક રાજકોટના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં પોલિટિકલ અફેર્સ કમિટી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના ઉમેદવારો અંગે ચર્ચા થશે, તેમજ મતદારો સુધી પહોંચવાના મુદ્દાઓ પર રણનીતિ ઘડાશે. સાંજે રાજકોટમાં જનઆક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…પ્રેમ લગ્નમાં પાટીદાર સમાજની દીકરીઓને વધુ ટાર્ગેટ કરવામાં આવે છેઃ મનોજ પનારા



