અમદાવાદ

અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન; શહેર અને આસપાસની હોટલના 2000 રૂમ બુક…

અમદાવાદઃ ગુજરાતમાં 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, આગામી 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું 84મું અધિવેશન અમદાવાદમાં યોજાશે. મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાને 100 વર્ષ અને સરદાર પટેલના 150મા જન્મજયંતી વર્ષને ધ્યાનમાં રાખીને સાબરમતીના તટ પર યોજાનારા આ અધિવેશનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

અમદાવાદમાં યોજાનારા અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ સહિત 3,000 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે. આ નેતાઓ અમદાવાદમાં બે દિવસ રોકાવાના હોવાથી અમદાવાદ શહેર અને આસપાસની હોટલના 2,000 રૂમ બુક કરવામાં આવ્યા છે.

આ અધિવેશન રિવરફ્રન્ટ અને સરદાર પટેલ સ્મારક ખાતે યોજાવાનું હોવાથી રિવરફ્રન્ટની આસપાસ તથા સરદાર પટેલ સ્મારક(શાહીબાગ)ની આસપાસની તમામ હોટલ કોંગ્રેસે બુક કરાવી લીધી છે. અહેવાલ મુજબ કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનના કારણે શહેરની ITC નર્મદા અને કોર્ટયાર્ડ જેવી હોટલો 8 અને 9 એપ્રિલે માટે હાઉસફુલ પણ થઈ ગઈ છે.
આ ઉપરાંત નેતાઓને લઈ જવા અને લાવવા માટે કાર અને બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, કોંગ્રેસના કાર્યકરોને નેતાઓની વ્યવસ્થા જાળવવા હાજર રહેવા માટે પણ જાણ કરવામાં આવી છે.

અધિવેશનમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો જેવા કે, રેવંત રેડ્ડી(તેલંગાણા) સુખવિંદર સુખ્ખુ(હિમાચલ પ્રદેશ), સિદ્ધારમૈયા(કર્ણાટક), તે ઉપરાંત પૂર્વ મુખ્યપ્રધાનો, લોકસભા અને રાજ્યસભાના સાંસદો, વિધાનસભ્યો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સંગઠનના અન્ય આગેવાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (SWC)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી 9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસશાસિત રાજ્યોના તમામ મુખ્યપ્રધાનો, રાષ્ટ્રીય પદાધિકારીઓ, અગ્રણી નેતાઓ અને અન્ય પ્રતિનિધિઓ હાજર રહેશે.

આ પણ વાંચો : Ahmedabad ના સરદાર સ્મારક ખાતે 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, 9મીએ રિવરફ્રન્ટ ખાતે અધિવેશન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button