
અમદાવાદ: આગામી મહિને ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. 64 વર્ષ બાદ તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનાર કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ખૂબ મહત્વપૂર્ણ છે. અધિવેશનની પૂર્વ તૈયારી રૂપે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થઈ ગયું છે. ત્યારે હવે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વિવાદાસ્પદ નેતાઓથી કોંગ્રેસ ક્યાં સુધી રાખશે અંતર, બેવડા વલણને લઈ નેતાઓ અસમંજસમાં?
શક્તિસિંહ ગોહિલે આપી માહિતી
ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માહિતી આપતા કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ 8 એપ્રિલે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં હાજરી આપશે. CWCની બેઠક બાદ 9 એપ્રિલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC)નું સત્ર યોજાશે.
દિગ્ગજ નેતાઓની હાજરી
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CWCની બેઠક 8 એપ્રિલે સવારે 11:30 વાગ્યે શાહીબાગ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક સંકુલમાં યોજાશે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મોટા નેતાઓ હાજરી આપશે. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમજ પાર્ટીના પ્રદેશ પ્રમુખો પણ આ બેઠકમાં હાજરી આપશે.
3,000 પ્રતિનિધિઓ AICC સત્રમાં હાજર રહેશે
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલા આ જ સ્થળે CWCની બેઠક યોજાઈ હતી. 8 એપ્રિલની બેઠક બાદ પાર્ટીના નેતાઓ સાંજે શહેરના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને પ્રાર્થના સભામાં ભાગ લેશે. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાંથી લગભગ 3,000 પ્રતિનિધિઓ આગામી દિવસે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે AICC સત્રમાં હાજરી આપશે તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
આ પણ વાંચો : કોંગ્રેસની દશા-દિશા બદલાશે? હવે ગુજરાત કોંગ્રેસમાં નુકસાન કરતા નેતાઓને શોધાશે…
કયા મુદ્દાઓની ચર્ચા?
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી કે AICC સત્રમાં ભાજપની “જનવિરોધી” નીતિઓ અને બંધારણ પરના તેના “હુમલા” દ્વારા ઉભા થયેલા પડકારો તેમજ ભવિષ્ય માટે કોંગ્રેસના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે.