જનસંપર્ક વધારવા કૉંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રા, પહેલા તબક્કામાં 60 દિવસનો કરશે પ્રવાસ

અમદાવાદઃ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા બે તબક્કામાં ભારત જોડો યાત્રા કાઢી હતી અને તે સફળ રહી હતી. કૉંગ્રેસ સત્તા સુધી તો ન પહોંચી શકી, પરંતુ ફાયદો ચોકક્સ થયો, ત્યારે હવે 30 વર્ષથી સત્તાથી દૂર રહેલી ગુજરાત કૉંગ્રેસ પણ યાત્રા દ્વારા ફરી લોકો સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.
આ કોશિશના ભાગરૂપે 21મી નવેમ્બરથી જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની જાહેરાત ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કરી હતી.
આ યાત્રા ઉત્તર ગુજરાતના વાવના ભીમાથી શરૂ કરવામાં આવશે. ભીમા, ધરણીધરથી થરાદ, લાખણી, ધાનેરા, ડીસા, દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, વડગામ, અંબા-, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, રાજેન્દ્ર ચોકડી, શામળા, મેઘરજ, સાઠંબા, માલપુર, બાયડ, ધનસુરા, દહેગામ, ચિલોડા, ગાંધીનગર, માણસા, વિજાપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ, સિદ્ધપુર, સરસ્વતી, પાટણ, હારીજ, રાધનપુર, શંખેશ્વર, બેચરાજી ખાતે પૂર્ણાહુતિ થશે. 3જી ડિસેમ્બરે પહેલા તબક્કાનું 1100 કિલોમીટરનું પરિભ્રમણનું સમાપન થશે. પહેલા તબક્કાની યાત્રા 60 દિવસની રહેશે.
આપણ વાચો: ખેડૂતો માટે કૉંગ્રેસ આવતીકાલથી મેદાનેઃ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આક્રોશ યાત્રા…
આ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂતો અને યુવાનોની રોજગારી મામલે કૉંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. ગુજરાત અને ગુજરાતીઓને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારવાળા શાસનમાંથી મુક્ત કરાવવાનો કૉંગ્રેસનો સંકલ્પ છે. ફિક્સ પે, કોન્ટ્રાક પ્રથા અને આઉટસોર્સિંગ પ્રથા નાબુદ કરાવીશું અને સમાન કામ સમાન વેતનનો અધિકાર ગુજરાતના યુવાનોને અપાવવાની કૉંગ્રેસે નેમ લીધી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યને ભૂમાફિયા, ખનન માફિયા, શિક્ષણ માફિયા, મેડિકલ માફિયા અને ગુંડાઓની ચંગુલમાથી મુક્ત કરાવવી, ગુજરાતને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરાવવું, ખેડૂતો મુસીબતમાં છે ત્યારે સરકાર પેકેજના નામે પડીકું આપે છે ત્યારે ખેડૂતોના દેવા માફી અને પાકવીમાં યોજનાની માંગણીને પણ વાચા આપીશું, રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે વેપારિકરણ થઈ રહ્યું છે યુવાઓ શાળા કોલેજોમાં ભણવા લાખો રૂપિયા ખર્ચવા મજબુર બની રહ્યા છે.
એક બાજુ સરકાર યુવાઓને રોજગાર નથી આપતી બીજી તરફ રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપરલીકની ઘટનાઓ, ગેરીરીતિઓ થઈ રહી છે વધુમાં ખાલી પડેલી જગ્યાઓ પર પણ ભરતી નથી થતી ત્યારે સરકારમાં ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી દ્વારા યુવાનોને રોજગારનો અધિકાર સુનિશ્ચિંત કરાવવા સહિતની માગણીઓ આ રેલી દરમિયાન કૉંગ્રેસ કરશે અને આ માટે સરકાર સામે અવાજ ઉઠાવશે. આ સાથે શ્રમિકો, ગરીબો અને મધ્યમવર્ગીયોના પ્રશ્નો સાથે કૉંગ્રેસ યાત્રા કાઢશે, તેમ ચાવડાએ જણાવ્યું હતું.



