આપ માટે જીવતદાન, ભાજપને ફટકો, પણ કૉંગ્રેસનો પંજો તો ફરી ખાલીખમ

અમદાવાદઃ ગુજરાતમાં હાલમા એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ ક્યાંક આગ અને ક્યાંક ઠંડક જેવો માહોલ છે. ચાર રાજ્યોમાં પાંચ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજે હતું. ગુજરાતની વાત કરીએ તો અહીં કડી અને વિસાવદર મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજાઈ હતી. વિસાવદરની બેઠકનો વિવાદ કોર્ટમાં હતો અને કડીના વિધાનસભ્યનું મોત થતા આ બે બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.
આ ચૂંટણીએ પહેલા દિવસથી જ ગરમાગરમી પકડી હતી કારણ કે કૉંગ્રેસ સાથે આમ આદમી પક્ષે પણ ઝંપલાવ્યું હતું અને આપના તેજતર્રાર ગણાતા યુવા નેતા ગોપાલ ઈટાલિયાએ વિસાવદરથી ઉમેદવારી નોંધાવી હતી. મૂળ ભાવનગરના ઈટાલિયા વિસાવદરથી ચૂંટણી લડવાના છે, તે વાતે મીડિયાનું ધ્યાન ખેંચ્યું. ભાજપે અહીં કિરિટ પટેલને ઉમેદવારી આપી હતી. જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા સામે કૉંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા હતા.
અત્યાર સુધી આવેલા પરિણામોમાં કડીમાં રમેશ ચાવડાએ શરૂઆત થોડી ટક્કર આપી ત્યારબાદ ભાજપે સતત લીડ મેળવી અને લગભગ 35,000 કરતા વધારે સરસાઈ ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. તો બીજી બાજુ ભાજપની જીતના જશ્ને ફીક્કો પાડતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા 12,000 મતથી જીત તરફ આગળ વધી રહ્યો છે અને ભાજપના ઉમેદવાર કિરિટ પટેલ હારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.
કૉંગ્રેસ ક્યાં છે?
કૉંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાતમાં હારતી આવી છે. વર્ષ 2022માં ગુજરાતની 182 બેઠકમાંથી કૉંગ્રેસના ભાગે માત્ર 17 બેઠક આવી હતી. ત્યારબાદ પક્ષ અસ્તિસ્વની લડાઈ લડી રહ્યો છે. કોંગ્રેસ વિસાવદર બેઠક પર 10 હજાર મત પણ મેળવી શકી નથી. કોંગ્રેસ માટે આનાથી મોટી હાર બીજી કઈ હોઈ શકે. કડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા ભાજપને હરાવવામાં નિષ્ફળ રહ્યાં છે. 18 રાઉન્ડમાં કોંગ્રેસને 48,435 મત મળ્યા હતા. જ્યારે વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાએ લોકોનો વિશ્વાસ જીતી શક્યા નથી.
નીતિન રાણપરીયાને તો લોકોએ 10 હજાર મત પણ નથી આપ્યાં. જેથી વિસાવદરમાં કોંગ્રેસની આ ખૂબ જ શરમજનક હાર છે. ભાજપની સત્તા સમયે પણ કડીમાં કૉંગ્રેસના વિધાસભ્યો બન્યા છે, પરંતુ દિવસે દિવસે કૉંગ્રેસ પોતાનો જનસંપર્ક ગુમાવતી જાય છે, તેનું આ વધુ એક ઉદાહરણ છે. પ્રદેશાધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના આવ્યા બાદ ચિત્રમાં કંઈ ફેરફાર જણાશે, તેમ લાગતું હતું, પરંતુ તેમ બન્યું નથી. લોકસભાની બેઠકમાં પણ કૉંગ્રેસે માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. ત્યારબાદની સ્થાનિક ચૂંટણીઓમાં પણ પક્ષે એકાદ બે જીતથી વધું કંઈ મેળવ્યું નથી. પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવીને પક્ષને જોમ આપવાની કોશિશ તો કરે છે, પરંતુ લોકોનો વિશ્વાસ જીતવાનું કૉંગ્રેસ માટે કઠિન બની રહ્યું છે.
આ પણ વાંચો…કચ્છમાં રહેણાંક વિસ્તારમાંથી દુર્લભ બ્લેક સ્પોટ હેડ સર્પને રેસ્ક્યુ કરાયો