અમદાવાદના ધોળકામાં કોંગો ફીવરથી પશુપાલકનું મૃત્યુઃ આરોગ્ય તંત્ર એલર્ટ, સર્વેલન્સ શરુ…

અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના પીસવાડા ગામમાં પશુઓમાં ફેલાતા કોંગો ફીવરના કારણે એક આધેડ વયના પુરુષનું મૃત્યુ થયું હતું. જેના કારણે ગામના રહેવાસીઓ ડરનો માહોલ ઊભો થયો હતો, જ્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક બની તપાસ હાથ ધરવામાં આવી છે.
પીસાવાડા ગામના ભરવાડ વાસમાં રહેતા 50 વર્ષીય પશુપાલક રાઘુભાઈ ભરવાડનું સીસીએફઓફ રોગના કારણે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકાની ટીમો તાત્કાલિક ધોરણે પીસાવાડા ગામ પહોંચી ગઈ હતી. આરોગ્ય વિભાગની પાંચ ટીમોએ ગામમાં સર્વેલન્સ હાથ ધર્યું હતું.
અત્યાર સુધીમાં 168 ઘરની મુલાકાત લઈ 900 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જે ઘરમાં સીસીએફઓફનો કેસ નોંધાયો હતો તેની આસપાસના 36 ઘરોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 22 જેટલા પશુના વાડાઓની સફાઈ અને દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા પશુઓમાં આ રોગનો ફેલાવો અટકાવવા માટે પણ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. પશુ આરોગ્ય વિભાગની ટીમે ગામના પશુઓ પર રહેલી ઈતરડીઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ અને ઈન્જેક્શન આપવાનું શરૂ કર્યું હતું.