કોન્ડોમ, આઈપીલ અને આલ્કોહોલઃ અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની બેગમાંથી શું શું મળે છે? | મુંબઈ સમાચાર
અમદાવાદ

કોન્ડોમ, આઈપીલ અને આલ્કોહોલઃ અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની બેગમાંથી શું શું મળે છે?

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાએ ભારે ખળભળાટ મચાવ્યો હતો અને હજુપણ તેના પડઘા પડે છે. આ ઘટના બાદ શહેર સહિત રાજ્યની દરેક સ્કૂલ સતર્ક બની ગઈ અને શિક્ષણ વિભાગે પણ અમુક ગાઈડલાઈન્સ સ્કૂલોને આપી. જે વિદ્યાર્થીએ હત્યા કરી હતી તેની સ્કૂલબેગમાં તે કિચન કટર રાખતો હતો અને આને હથિયાર બનાવી તેણે અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હતી, તે વાત બહાર આવ્યા બાદ દરેક સ્કૂલોને અમુક સમયના અંતરે સ્કૂલબેગ ચેક કરવાની તાકીદ કરવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓના સ્કૂલબેગ ચેક કર્યા બાદ જે હકીકતો બહાર આવી રહી છે તે ગંભીર રીતે ચોંકાવનારી કહી શકાય તેમ છે. સ્કૂલમાં ભણતા સગીર વિદ્યાર્થીઓ ભણવા ઉપરાંત અથવા ભણવાના બહાને કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે તે જાણી માત્ર માતા-પિતા કે સ્કૂલોએ નહીં, પણ સમગ્ર સમાજે ચિંતા કરવાની જરૂર છે.

સ્કૂલબેગમાંથી નીકળે છે આ બધું

એક અહેવાલ અનુસાર સ્કૂલના પ્રિન્સપાલ સાથે વાત કરતા જણાય છે કે વિદ્યાર્થીઓની સ્કૂલબેગમાં બુક્સ અને ટિફિન ઉપરાંત મોબાઈલ, લાઈટર, સિગારેટ, ઈલેક્ટ્રોનિક સિગારેટ અને અમુક સમયે વૉટરબોટલમાં આલ્કોહોલ પણ મળી આવ્યો છે. જ્યારે અન્ય એક પ્રિન્સપાલના કહેવા અનુસાર તેમને વિદ્યાર્થીઓની બેગમાંથી વ્હાઈટનર, લિપસ્ટિક, કાજલ, નેલ ફાઈલર્સ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ, કોન્ડોમ અને એકસ્ટ્રા કપડા મળી આવ્યા હોવાના દાખલા પણ છે.
આ સાથે બ્લેડ્સ, પેપરક્ટર, અને લોખંડની ચેન ઘણી સ્કૂલની સ્કૂલબેગ્સમાંથી મળી આવી છે. ઘણી સ્કૂલમાંથી પ્લે કાર્ડ્સ, પોર્નોગ્રાફિક કે રોમાન્ટિક લિટરેચર, ખૂબ જ મોંઘી વસ્તુઓ અને રૂ.100 કે 200 કરતા વધારે મોટી રોકડ રકમ મળી આવી છે.

કેવા હોય છે પેરેન્ટ્સના રિએક્શન્સ

સ્કૂલોને જ્યારે આવી વસ્તુઓ મળે છે ત્યારે સૌપ્રથમ તો આ વસ્તુઓ તેઓ પોતાના કબ્જામાં લે છે અને વિદ્યાર્થી સાથે વાત કરે છે. જો ડ્રગ્સ અથવા કોઈ હથિયાર જેવી વસ્તુઓ હોય તો જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરે છે. બાકી સ્કૂલ મેનેજમેન્ટ માતાપિતાને બોલાવે છે. માતા-પિતા ઘણીવાર સ્વીકારે છે કે બાળકે તેમના કહેવામાં નથી તો અમુક સમયે રોમાન્ટિક નોવેલ્સ વગેરે જોઈ માતા-પિતા તેને હળવાશથી લે છે અને બાળકો મોટા થતા હોવાથી આ બધુ સામાન્ય હોવાનો તેમનો મત હોય છે, તેમ અહેવાલ જણાવે છે. જોકે આવી ઘટનાઓ દેશના ઘણા શહેરોમાં પણ બહાર આવી હોવાના અહેવાલો છે.

એક સ્કૂલમાં શિક્ષકે કહ્યું હતું કે એક છોકરો રૂ.1500ના ભાવની એનર્જી ડ્રિંક લાવ્યો હતો. આમ કરી તે મિત્રોને તેની લાલચ આપી હોમવર્ક કારવી લેતો હતો. પ્રિન્સિપાલનું કહેવાનું છે કે બાળકો ઘરમાં, શેરીમાં અને હવે સ્ક્રીનમાં જે જૂએ છે તે કરે છે. તેમની બેગની અંદર જે છે તે ખરા અર્થમાં તેમના બાહરી વાતાવરણમાં છે. એક બાળક લાવે અને રોબ જમાવે એટલે બીજાને પણ લાવવાનું મન થાય છે.

ભલે આવી વસ્તુઓ ઓછા બાળકો પાસેથી મળી આવી હોય, પરંતુ આને લીધે જે નથી લાવતા તેમની માટે પણ સ્કૂલ કેમ્પસ કેટલા અસુરક્ષિત છે તે સમજી શકાય છે. સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ ઘણી સ્કૂલોએ અભ્યાસમાં કામ આવતી કાતર (સિઝર) અને પરિકર (રાઉન્ડર) જેવી વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. સ્કૂલ મેનેજમેન્ટ મહિનામાં એકાદ બે વાર બેગ ચેક કરી શકે છે. તેમની માટે પણ રોજ દરેક વિદ્યાર્થીનું બેગ ચેક કરવું શક્ય નથી. ત્યારે સૌપ્રથમ તો માતા-પિતા અને પરિવારે જ પોતાના બાળકોની આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવું જોઈએ. બાળકોમાં દરેક ઉંમરમાં જાગતી ઈચ્છાઓ અને લાગણીઓને વૈજ્ઞાનિક ઢબે તેમની સામે મૂકવી જોઈએ અને તેમની ઉંમરમાં શું કરી શકાય, શું નહીં તે અંગે તેમની સાથે વારંવાર ખુલ્લામને વાત કરવી જોઈએ. સ્કૂલ પણ નિષ્ણાતોને બોલાવી આવા સેશન્સ દરે મહિને એકાદવાર ગોઠવી શકે. બાળકોનો સ્ક્રીનટાઈમ ઓછો થાય તે માટે સ્પોર્ટ્સ અને આર્ટ્સની પ્રવૃત્તિઓ વધારવી જોઈએ. અભ્યાસ અને તેની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ જો રસપ્રદ બને અને બાળકો યોગ્ય દિશા પકડે તો જ સમાજ યોગ્ય દિશામાં આગળ વધશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button