અમૂલ દૂધમાં કેમિકલ ભેળવાતાં હોવાના વીડિયો બદલ રાજકોટના ડોક્ટર સામે ફરિયાદ

અમદાવાદ: વિશ્વ વિખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલ (Amul) નું સંચાલન કરતી ધી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડની (GCMMF) પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના આરોપસર એક તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જામનગરના ડૉ. હિતેશ જાનીએ યુ-ટ્યુબ અને ફેસબુક પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં અમૂલ દૂધની પ્રોસેસિંગ અંગે ખોટા અને ભ્રમિત આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ વિવાદાસ્પદ વીડિયોમાં ડૉ. જાની દ્વારા અમૂલ દૂધની પ્રોસેસિંગ અંગે અનેક ગેરમાર્ગે દોરનારા દાવાઓ કરવામાં આવ્યા છે. ડૉ. જાનીએ આક્ષેપ કર્યો છે કે દૂધમાં 22 પ્રકારના કેમિકલ અને ડી.ડી.ટી. જેવા પ્રતિબંધિત કીટનાશકો ઉમેરાય છે. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો છે કે દૂધ 7 દિવસ જૂનું હોય છે અને પાઉચમાં લખેલા જથ્થા કરતાં ઓછું ભરાય છે. ડૉક્ટરે અમૂલ પર ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને નફાખોરી કરવાનો અને ISI/FSSAI સ્ટેમ્પ ધરાવતા ઉત્પાદનો પણ અસુરક્ષિત હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વીડિયોમાં તેમણે આ સિસ્ટમ વિદેશી નિયંત્રણ હેઠળ હોવાનો દાવો કરીને જનતાને વીડિયો વાયરલ કરવાની અપીલ કરી હતી.
અમૂલફેડ ડેરીના અધિકારી આકાશ પુરોહિતે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ડૉક્ટર જેવા જવાબદાર હોદ્દા પર રહેલા વ્યક્તિ દ્વારા આવી ભ્રમિત વાતો ફેલાવવાથી જાહેર જનતામાં ભય અને અવિશ્વાસ પેદા થાય છે. ડૉ. જાની સારી રીતે જાણતા હોવા છતાં, તેમણે સહકારી સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને ભારતીય સહકારી આંદોલન વિરુદ્ધ શંકા પેદા થાય તેવા ઇરાદાથી વીડિયો વાયરલ કર્યો છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આ કૃત્ય અમૂલ બ્રાન્ડને નુકસાન પહોંચાડવાના બદનામ કરવાના ઇરાદાથી કરવામાં આવ્યું છે. આ મામલે રાજકોટના રહેવાસી ડૉ. હિતેશ જાની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે, અને પોલીસ દ્વારા આ વીડિયોના મૂળ હેતુ અને તેની પાછળના તથ્યો અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો…GSTમાં ધરખમ ફેરફાર છતાં અમૂલ દૂધના ભાવ નહીં ઘટે, ડેરીના એમડીએ સ્પષ્ટતા કરી



