
અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરવાનો નિર્ણય લીધો છે. તેના વડા તરીકે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ અને કોમનવેલ્થ ગેમ્સના પ્રભારી પી ટી ઉષાની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ વિવિધ પ્રોજેક્ટ્સના ભંડોળ પર નજર રાખશે.
આ SPV ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી લઈને પ્રોજેક્ટના અમલીકરણ સુધીના તમામ પાસાઓ પર નજર રાખશે. 2030 ની ગેમ્સ એક મહત્વનો પડાવ પણ રહેશે. કારણકે 1930 માં કેનેડામાં યોજાયેલી પ્રથમ ઈવેન્ટની શતાબ્દીની ઉજવણી થશે. SPVમાં આશરે 15 સભ્યો હશે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, IOA અને પેરાલિમ્પિક એસોસિએશનના પ્રતિનિધિઓ, રમતવીરો અને સમાજના વિવિધ વર્ગના ત્રણ લોકોનો સમાવેશ થશે.
મોટેરા વિસ્તારમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ રમતો માટેનું મુખ્ય સ્થળ બનવાનું છે, જ્યારે કરાઈ પોલીસ એકેડમી ખાતે રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, ટેકનિકલ દરખાસ્તો માટે ટૂંક સમયમાં કન્સલ્ટન્ટ્સની બિડ આમંત્રિત કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવ્યું છે જે હાલ કાર્યરત છે. આ ઉપરાંત, વસ્ત્રાલમાં પણ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે અને ગોધાવી ખાતે વિવિધ રમતો માટેની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
સરકારે સ્પોર્ટ્સ વિલેજનું પણ આયોજન કર્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં ડિઝાઇન અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની રાજ્યો માટેની યોજના દ્વારા ભંડોળ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યે આ આર્થિક બોજ ઉઠાવવો પડશે નહીં. વધુમાં ઉમેર્યું કે નરેન્દ્ર મોદી અને કરાઈ સ્ટેડિયમ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવાનો ખર્ચ આશરે ₹10,000 કરોડ થશે.
મેટ્રો એક્સટેન્શન માટે કેન્દ્રની મંજૂરીની રાહ
કોમનવેલ્થ ગેમ્સ માટે રસ્તા અને પરિવહન સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એરપોર્ટ અને ગોધાવી સુધી મેટ્રો લંબાવવાની દરખાસ્તો કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે અને હાલ તેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અધિકારીએ ઉમેર્યું કે ભારત 2036 ઓલિમ્પિક્સ માટે પણ દાવો કરી રહ્યું છે, અને કોમનવેલ્થ ગેમ્સ માટે વિકસાવવામાં આવતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેના માટે પણ ઉપયોગી થશે.
ઉલ્લેખનીય છે કે, 2030 કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિએ આ ઈવેન્ટનો ઓપરેશનલ ખર્ચ ₹3,000 કરોડથી ₹5,000 કરોડ અંદાજ્યો છે. આ ઉપરાંત સમગ્ર ઈવેન્ટના સંચાલન માટે મેલબોર્ન મોડલ અપનાવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેગા-ઇવેન્ટના કુલ ખર્ચને અંતિમ રૂપ આપવા માટે રમતગમત અને પબ્લિક યુટિલિટી બંને સુવિધાઓ સહિતના ઈન્ફ્રાસ્ટ્ર્કચર અપગ્રેડના ચાલી રહેલા અંદાજો પર હજી પણ કામ ચાલી રહ્યું છે.
ગુજરાતે 2010ની દિલ્હી ગેમ્સના સંચાલનમાંથી “જરૂરી પાઠ” લીધા છે, જે માળખાકીય વિલંબ, ભ્રષ્ટાચારના આરોપો અને પ્રારંભિક અંદાજો કરતાં ઘણો વધી ગયેલા ખર્ચ સહિતના અનેક વિવાદોમાં સપડાઈ હતી. સૂત્રએ કહ્યું, અમદાવાદ CWG માટે સંચાલન ખર્ચ ₹3,000 થી ₹5,000 કરોડ થશે. આમાં અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણમાં ખર્ચ થનારા ભંડોળનો સમાવેશ થતો નથી.
આ પણ વાંચો…દિલ્હી-મુંબઈને પાછળ છોડીને અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન, જાણો આ પાછળનું કારણ…



