અમદાવાદની ફ્લાઈટ્સ અને હોટેલ્સના ભાવ જાણીને Coldplayના ચાહકો ઠંડા પડી ગયા
અમદાવાદ: 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બ્રિટિશ બેન્ડના કોલ્ડપ્લેનું લાઇવ પર્ફોર્મન્સ (Coldplay concert in Ahmedabad) યોજાશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોન્સર્ટને આડે હવે માત્ર એક મહિના જેટલો જ સમય બાકી છે. જો કે, કોન્સર્ટની ટિકિટો ખરીદનારા ગુજરાતની બહારના લોકો માટે આ કોન્સર્ટ મોંઘો પડી શકે છે, કારણે કોન્સર્ટને દિવસોમાં અમદાવાદની ફ્લાઈટ્સ અને હોટેલ્સની કિંમતો આસમાને પહોંચી ગઈ છે.
ફ્લાઈટ્સના ભાવ ડબલથી વધારે:
હાલ (26મી ડિસેમ્બર) ઓનલાઈન પોર્ટલ પર 25-26 જાન્યુઆરી માટે મુંબઈથી અમદાવાદની રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ બુક કરવામાં આવે, તો ઓછામાં ઓછા રૂ.20 હજાર ચુકવવા પડે છે. જો મુંબઈથી અમદાવાદ માટે 27-28 ડિસેમ્બરની રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ બૂક કરવામાં આવે તો લગભગ રૂ. 8,000 માં જ પડે છે.
એ જ રીતે, દિલ્હીથી અમદાવાદની રાઉન્ડ-ટ્રીપ ફ્લાઇટનો ખર્ચ વ્યક્તિ દીઠ રૂ. 19,500 છે. હૈદરાબાદથી રૂ. 39,898 છે, બેંગલુરુથી રૂ. 36,622, ચેન્નઇથી રૂ. 26,500, કોલકાતાથી રૂ. 28,940 અને પુણેથી રૂ. 27,682ની રાઉન્ડ-ટ્રીપ ફ્લાઇટ્સ થાય છે, જે નિયમિત દર કરતાં ઓછામાં ઓછા ત્રણ ગણો ભાવ છે.
આ પણ વાંચો : આનંદો! હવે અમદાવાદમાં પણ કોલ્ડપ્લે કોન્સર્ટ…
ટ્રેનમાં બુકિંગ ફૂલ:
મુંબઈ કે નવી દિલ્હીથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે પણ આવી જ સ્થિતિ છે. રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈથી અમદાવાદની વંદે ભારત, દુરંતો, અને શતાબ્દી જેવી ટ્રેનોમાં 25-26 જાન્યુઆરી માટે વેઇટિંગ લિસ્ટ 140 જેટલું છે. દિલ્હીથી આવતા લોકો માટે, રાજધાની એક્સપ્રેસની 3AC ટિકિટ માટે વેઇટિંગ લિસ્ટ 240 જેટલું છે., જ્યારે 2AC અને 1AC માટેની ટિકિટો બિલકુલ ઉપલબ્ધ નથી, આશ્રમ એક્સપ્રેસના AC કોચમાં વેઇટિંગ લિસ્ટ 60 સુધી પહોંચી ગયું છે. જે આગામી દિવસોમાં વધવાની ધારણા છે.
હોટેલ્સ અને હોમ સ્ટેના ભાવ પણ ઉંચકાયા:
મુસાફરી ઉપરાંત આમદાવાદમાં સ્ટેના ભાવ પણ ઊંચકાઈ ગયા છે. ફાઇવ-સ્ટાર હોટેલમાં રૂમ માટે પર નાઈટ કિંમત રૂ. 55,000 જેટલી છે, ત્યારે હોમસ્ટેમાં પણ પર નાઈટ રૂમ દીઠ ઓછામાં ઓછો રૂ. 10,000નો ખર્ચ થાય છે. રશ વધવાની અપેક્ષાએ, ઘણી હોટેલોએ કોન્સર્ટના દિવસો માટે તેમના બેઝ ટેરિફમાં વધારો કર્યો છે, જે કોલ્ડપ્લેના ચાહકોના ખિસ્સા પર બોજ બની શકે છે.
લોકો ટ્રીપ કેન્સલ કરવા વિચારી રહ્યા છે:
અમદાવાદ સ્થિત ટ્રાવેલ ઓપરેટરના જણાવ્યા મુજબ, અમને ગુજરાતની બહારથી ઘણી ઈન્કવાયરી મળી રહી છે. બેઝિક બજેટ હોટલની કિંમત એટલી વધારે છે કે ઘણા લોકો તેમની ટ્રીપ કેન્સલ કરવાનો વિચાર કરી રહ્યા છે. કેટલાક લોકો જેઓ કોન્સર્ટ માટે નથી આવતા પણ નિયમિતપણે હોટેલમાં બુક કરતા હોય છે, તેમને 2,000 રૂપિયાની કિંમતની હોટલો હવે તે જ રૂમ માટે 15,000 રૂપિયા ચૂકવવા કહી રહી છે.