
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દેશના 9 રાજ્યમાં ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજયમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી લઘુત્તમ તાપમાન વધ્યું છે, ગઈકાલે બપોરે મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી નોંધાયું હતું, 20 ડિસેમ્બર પછી રાજયમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું અનુમાન હવામાન વિભાગનું છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન
અમરેલીમાં 11.2, અમદાવાદમાં 14.2, ડીસામાં 13.6 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5, વડોદરામાં 11.2 ડિગ્રી, સુરતમાં 18.1, ભુજમાં 16.1 ડિગ્રી તાપમાન, નલિયામાં 14.8, કંડલામાં 17.4 ડિગ્રી,ભાવનગરમાં 14 ડિગ્રી, રાજકોટમાં 15, મહુવામાં 12.5 ડિગ્રી, કેશોદમાં 14.3, સુરેન્દ્રનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ પ્રમાણે આગામી સાતેક દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર જણાતો નથી. આગામી ચાર દિવસ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો ઘટાડો થઈ શકે છે. નોંધનીય છે કે ડિસેમ્બરના મધ્યમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ વાતાવરણમાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે લોકોને થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળી શકે તેમ છે.
હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ આપ્યું છે. આ રાજ્યોમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગે શનિવાર, 20 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં કોલ્ડ વેવની ચેતવણી આપી છે. કેટલીક જગ્યાએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.



