ગુજરાતમાં નાળિયેરીનું વાવેતર વધ્યું, દર વર્ષે 23 કરોડ નાળિયેરનું ઉત્પાદન

અમદાવાદઃ ભારતમાં ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતનો દરિયાકિનારો 1600 કિમી લાંબો છે આ સાગરકાંઠા વિસ્તારમાં 45.61 લાખ હેકટરમાં ખેતી થાય છે. એમાંથી 26,000 હેકટર જમીનમાં તો નાળિયેરીનું વાવેતર થાય છે. દરિયાકાંઠાના જિલ્લામાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર 26 હજાર હેક્ટરથી વધીને 70 થી 80 હજાર હેક્ટર સુધી પહોંચવાની શક્યતા ધરાવે છે. રાજ્યમાં છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4900 હેક્ટરનો વધારો થયો છે. ગુજરાતમાં દર વર્ષે 23 કરોડથી વધુ નાળિયેરનું ઉત્પાદન થાય છે. એમાંથી એકલા સોરઠમાં 17.42 કરોડ નાળિયેર રાજય અને આંતરરાજયમાં જાય છે.
એકલા ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો બન્નેનો મળીને કુલ હિસ્સો 16,300 હેકટર જેટલો છે. એક હેકટર જમીનમાં 13,000 નાળિયેરનું ઉત્પાદન સરેરાશ આવે છે. આ રોકડિયા પાકને હાલ સરકારે નાળિયેરીની બીટી જાતને વેગ આપવા માટે સારા પ્રોત્સાહન આપવાનું ચાલુ કરતા જુનાગઢ જિલ્લામાં 138 હેકટરમાં વાવેતરનો વધારો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં કુલ નાળિયેરીનું વાવેતર 6,600 હેકટર છે. જયારે ગીર સોમનાથ જિલ્લામાં હાલ 9,700 હેકટર જમીનમાં નાળિયેરીના વાવેતર થયા છે. એમાં એકલા વેરાવળ પંથકમાં જ 6,500 હેકટર જમીનમાં વાવેતર છે. હાલ ખેડૂતોમાં લોટણ, દેશી, ટીડી, હાઈબ્રિડ ડીટી ,ફોસેનોબા, બોના જેવી જાતોનુ વાવતેર થાય છે. આ બે જિલ્લાઓ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા અને દરિયાઈ વિસ્તારો, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવતેર થાય છે.
આ પણ વાંચો…ભાવનગરથી સુરત રો રો ફેરીમાં મોકલવામાં આવ્યું 30,000 લિટર દૂધ, વર્ષે થશે આટલી બચત
રાજ્યમાં છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4900 હેક્ટરનો વધારો થયો છે. વર્ષ 2013-14માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 21633 હેક્ટર હતો, જે વર્ષ 2023-24માં વધીને 26561 હેક્ટર સુધી પહોંચ્યો છે. અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું (ત્રોફાનું) વાર્ષિક ઉત્પાદન 23.60 કરોડ યુનિટથી વધુ છે.
નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી શકે, તેમજ નાળિયેરના વાવેતરથી ખેડૂતો મહત્તમ આવક મેળવી શકે તેવા ઉમદા આશયથી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર નાળિયેરી વિકાસને પુષ્કળ પ્રોત્સાહન આપી રહી છે.