અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં પ્રથમ વખત પેટ્રોલ કરતાં સીએનજી વાહનનું વેચાણ વધ્યું, જાણો શું છે કારણ

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ વાહનોની તુલનામાં પ્રથમ વખત સીએનજી વાહનોની સંખ્યા વધી હતી. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ 2025માં સીએનજી તથા પેટ્રોલ-સીએનજી વાહનોના 1.25 લાખ યુનિટનું વેચાણ થયું હતું, જ્યારે પેટ્રોલ કારના 1.18 લાખ યુનિટ વેચાયા હતા. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના ડેટામાં આ વાત સામે આવી હતી. પેટ્રોલના ભાવ વધતાં ખરીદદારો હવે પરિવહનના સસ્તા માધ્યમ તરફ નજર દોડાવી રહ્યા છે.

ગુજરાતમાં મોટાભાગના કાર માલિકો માટે પેટ્રોલ પરંપરાગત રીતે પસંદગીનું ઇંધણ રહ્યું છે. નાણાકીય વર્ષ 2021 માં, 1.39 લાખ યુનિટ પર પેટ્રોલ કારનું વેચાણ થયું હતું. જ્યારે સીએનજીના 40,560 યુનિટના વેચાયા હતા. 2021માં સીએનજી કરતાં પેટ્રોલ કારનું વેચાણ ત્રણ ગણાથી વધુ હતું. જોકે હવે આ વલણમાં બદલાવ આવ્યો હતો.

નિષ્ણાતો આ બદલાવનું કારણ ઇંધણના વધતા ભાવ, ફેક્ટરી-ફીટ કરેલા સીએનજી વેરિઅન્ટ્સની વધતી ઉપલબ્ધતા અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પર કાર ચલાવવાના ખર્ચના ફાયદાને ગણાવ્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે, ડીઝલ વાહનો મોંઘા છે અને મોટે ભાગે અન્ય નાના કોમ્પેક્ટ કાર અને સેડાન કરતાં માત્ર એસયુવી માલિકો દ્વારા જ પસંદ કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં સીએનજી વેરિઅન્ટ્સ હંમેશા તેમની સારી રેન્જ તેમજ વિશ્વસનીયતા માટે પસંદ કરવામાં આવે છે.

સીએનજી કારના વેચાણમાં આવેલો ઉછાળો મોટે ભાગે પેટ્રોલ-સીએનજી વેરિઅન્ટ્સ દ્વારા પ્રેરિત છે, જે ખરીદદારોને ઓપરેશનલ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરતી વખતે કોઈપણ ઇંધણ પર ચાલવાની સુગમતા આપે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લોકપ્રિય હેચબેક અને કોમ્પેક્ટ સેડાન હવે ફેક્ટરી-ફીટ કરેલી સીએનજી કિટ્સ સાથે આવે છે, અને ઘણા ઉત્પાદકોએ વધતી માંગને પહોંચી વળવા ઉત્પાદન વધાર્યું છે. એન્ટ્રી-લેવલ એસયુવી ખરીદદારો પણ ઉપલબ્ધ હોય ત્યારે સીએનજી વિકલ્પોને ધ્યાનમાં લઈ રહ્યા છે.

ડીઝલ કારમાં પણ ગુજરાતીઓને રસ

ડીઝલ કારનું પણ વેચાણ વધ્યું છે. આ વર્ષે ડીઝલ કારનું વેચાણ 73,000 યુનિટથી વધારે થયું છે, જે ગયા વર્ષ કરતાં સહેજ વધારે અને નાણાકીય વર્ષ 2021 કરતાં લગભગ બમણું છે. ગુજરાતમાં ડીઝલ કારના વેચાણમાં વધારો એસયુવી અને કોમ્પેક્ટ એસયુવીની સતત લોકપ્રિયતાને કારણે છે. પહેલા ડીઝલ કારનું વેચાણ માત્ર અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારો સુધી મર્યાદિત હતું. સીએનજી અને ડીઝલ કારનું વેચાણ છેલ્લા પાંચ વર્ષથી વધી રહ્યું છે ત્યારે પેટ્રોલ કારના વેચાણમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.

આપણ વાંચો:  ભારતની પ્રથમ એઆઈ આધારિત હળવી ટેન્ક ઝોરાવર ગુજરાતમાં બનશે, જાણો કેટલી છે કિંમત અને શું છે ખાસિયત

CNG, પેટ્રોલ અને ડીઝલ કારના છેલ્લા 5 વર્ષના વેચાણના આંકડા

નાણાકીય વર્ષ 2021માં સીએનજી અન પેટ્રોલ-સીએનજી વાહનનું વેચાણ 40,560 યુનિટ, નાણાકીય વર્ષ 2022માં 49,771 યુનિટ, નાણાકીય વર્ષ 2023માં 72,339 યુનિટ, નાણાકીય વર્ષ 2024માં 1,07,984 યુનિટ અને નાણાકીય વર્ષ 2025માં 1,25,161 યુનિટ હતું. જ્યારે ડીઝલ કારનું વેચાણ અનુક્રમે 37,555 યુનિટ, 49,445 યુનિટ, 67,161 યુનિટ, 69,199 યુનિટ અને 73,438 યુનિટ હતું. આ સમય ગાળા માટે પેટ્રોલ કારનું વેચાણ અનુક્રમે 1,39,264 યુનિટ, 1,50,408 યુનિટ, 1,38,058 યુનિટ તથા 1,18,987 યુનિટ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button