મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મતવિસ્તાર મુલાકાત: સ્થાનિકોએ રોડ, ગટર, દબાણ સહિતની અનેક ફરિયાદો કરી...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મતવિસ્તાર મુલાકાત: સ્થાનિકોએ રોડ, ગટર, દબાણ સહિતની અનેક ફરિયાદો કરી…

અમદાવાદ: સચિવાલયના કેટલાક વિભાગોમાં સરપ્રાઈઝ ચેકિંગ બાદ હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના મતવિસ્તારના લોકોને મળ્યા હતાં. રવિવારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સોલા અને ઘાટલોડિયા વિસ્તારમાં પહોચ્યા હતાં અને લોકોને મળીને તેમની સમસ્યા જાણી હતી. મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન લોકોએ ગટર, ખરાબ રસ્તાઓ, સ્પીડ બ્રેકર સહિતની અનેક ફરિયાદો કરી હતી.

મળતી વિગતો અનુસાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં આવેલા સમર્પણ ટાવર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વૃક્ષારોપણ કર્યા બાદ ઘાટલોડિયા વોર્ડની જુદી જુદી સોસાયટીના લોકો સાથે મુલાકાત કરી હતો.

આ દરમિયાન લોકોએ મુખ્ય પ્રધાનને તેમની રજૂઆત કરવા આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા રોડ, પાણી, ગટર, લાઈટ, રોડ પરના દબાણો, ગેરકાયદે બાંધકામ અને ટ્રાફિક જેવી અનેક સમસ્યાઓની રજૂઆત કરી હતી. મુખ્ય પ્રધાને લોકોની રજૂઆતોને સાંભળી હતી અને તેના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી.

તે ઉપરાંત મુખ્ય પ્રધાન સોલા વિસ્તારમાં પણ લોકોને મળ્યા હતાં. આ દરમિયાન તેમનું સ્વાગત કરવા અનેક લોકો એકઠા થયા હતાં. સ્થાનિક લોકોએ મુખ્ય પ્રધાનને સામાન્ય સુવિધાઓને લઈને રજૂઆતો કરી હતી.

ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન ગાંધીનગરમાં સહયોગ સંકુલના બી-બ્લોકમાં આવેલી પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરની કચેરીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતાં. જેમાં અધિકારીઓ પાસેથી નાગરિકોની ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ માટે કરવામાં આવતી કાર્યવાહીની પૂછપરછ કરી હતી સાથે જ ગ્રામીણ સ્તરની પાણી સમિતિઓની રજૂઆતો હલ કરવા માટે થતી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

આ પણ વાંચો…મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 1.74 લાખ કરોડના 32 વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button