અમદાવાદ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના ૩૦ શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માન કરવામાં આવ્યું

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશીના સંસ્કારોનું સિંચન કરીને આત્મનિર્ભર ભારતના વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓના ખરા પથદર્શક બનવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. ત્યારે તેમનામાં આજથી જ સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જવાબદારી શિક્ષકોએ નિભાવવાની છે.

આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રધાનના હસ્તે રાજ્યના ૩૦ શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માન કરાયું હતું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રતીકરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાનની વાત દોહરાવતાં કહ્યું કે માતા-પિતા પછી શિક્ષકો જ બાળમાનસ પર ઊંડો પ્રભાવ પાડે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે લોહીનો નહીં પણ વાત્સલ્યનો સંબંધ છે. માતા-પિતા પછી શિક્ષક જ બાળમાનસ પર સૌથી વધુ અસર કરે છે. ત્યારે ભાવિ પેઢીનું ઘડતર કરી, વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌ શિક્ષકોને અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે આપણા જીવનમાં કોઈ પણ કામને નાનું ન સમજીએ, પરંતુ જે કાર્ય કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું હોય, એ સારી રીતે નિભાવીએ તે જ સાચું શિક્ષણકાર્ય છે. તેમણે આજીવન શિક્ષક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતી પ્રસંગે પારિતોષિક મેળવનારા સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી, આજના દિવસે શ્રેષ્ઠ શિક્ષક સન્માન એ ‘રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ’ ગણાવી કહ્યું કે કોઈ પણ સમાજનો મજબૂત પાયો શિક્ષણ જ છે.

મુખ્ય પ્રધાને આચાર્ય ચાણક્યના સૂત્રને યાદ કરી શિક્ષકની મહત્તા વિશે કહ્યું કે ગુરુ ભગવાનનાં પણ દર્શન કરાવી શકે છે. પ્રાચીનકાળથી ભારતમાં જ્ઞાનનાં દર્શન કરાવનાર આ ગુરુઓ જ છે. તેમનું વિદ્યાર્થીઓ પ્રત્યેનું સમર્પણ જ્ઞાન પરંપરા અને મહાન બનાવે છે. તેમણે સ્વામી વિવેકાનંદને યાદ કરી કહ્યું કે, શિક્ષણ વ્યક્તિને ચારિત્ર્યવાન બનાવે છે. શિક્ષકની સકારાત્મકતા સૌથી મોટી મૂડી છે. તેમણે નવી શિક્ષણનીતિ, દીકરીઓ માટે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વાત કરી તેનો લાભ લેવા તેમજ વિકસિત ભારત @૨૦૪૭ના વડા પ્રધાનના સ્વપ્નમાં સૌને સાથે મળી જોડાઈ જવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડિંડોરે ભગવાન શ્રી કૃષ્ણ, આચાર્ય ચાણક્ય, વિનોબા ભાવે તથા કાકાસાહેબ કાલેલકરના ઉદાહરણ આપીને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ગુરુઓનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે. વિદ્યાર્થીકેન્દ્રી, સમાજકેન્દ્રી લક્ષ્ય રાખીને અથાક પરિશ્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય ઘડતરનું કાર્ય કરનારા શિક્ષકોને તેમણે બિરદાવ્યા હતા. વધુમાં, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ દ્વારા સમગ્ર રાજ્યની પણ સારી છબિ ઉપસાવવા માટે તેમણે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શિક્ષણજગતના નોબેલ પારિતોષિક સમાન ગ્લોબલ ટીચર પ્રાઇઝ મેળવનારા મહારાષ્ટ્રના પરિતેવાડી ગામના શિક્ષક રણજીતસિંહ દિસાલેનું અનુકરણીય ઉદાહરણ પણ આપ્યું હતું.

શિક્ષણનાં માધ્યમોમાં આવેલાં પરિવર્તન વિશે વાત કરતાં ડિંડોરે કહ્યું કે આજે આધુનિક ટેક્નોલોજી અને એઆઈ કે રોબોટનો ઉપયોગ કરીને શાળામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન તો શિક્ષકો જ કરી શકે છે. એ દૃષ્ટિએ શિક્ષકની ભૂમિકા કાયમી અને જિવંત છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ તકે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ‘અમારા શિક્ષક અમારા માર્ગદર્શક’ શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…..અમદાવાદમાં આજે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button