ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ: CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરના મોડદર ગામ માટે ₹9 કરોડ મંજૂર કર્યા, વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો અંત!

અમદાવાદ: જાહેર વહીવટ જ્યારે પ્રજાના પ્રશ્નોને હલ કરવામાં સફળ નીવડે ત્યારે ગુડ ગવર્નન્સની પોલિસી સફળ થઈ તેમ કહેવાય. આવી જ એક પહેલ ગુજરાતમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલા ‘સ્વાગત’ (સ્ટેટ વાઈડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) કાર્યક્રમથી અનેક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘સ્વાગત’ કાર્યક્રમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તાજેતરમાં પોરબંદરના મોડદર ગામની લાંબા સમયથી ચાલી આવતી રસ્તા અને પુલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક ₹9 કરોડ મંજૂર કર્યા છે. આ નિર્ણયથી ટેકનોલોજી આધારિત આ સિસ્ટમ દ્વારા લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે.
મોડદર ગામના રહેવાસીઓ, જેમાં ખેડૂત લખમણભાઈ મોડદરાએ CM ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. તેમની મુખ્ય માંગણી કુતિયાણા પહોંચવા માટે નદી પર પુલ અને રસ્તો બનાવી આપવાની હતી. મુખ્ય પ્રધાનને લાગ્યું કે ગ્રામજનોની આ સમસ્યા વાજબી છે, જે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અન્ય સ્થાનિકો માટે ઘણી રાહતરૂપ સાબિત થશે. તેમણે તુરંત જ ₹9 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી, પુલના બાંધકામનું કામ મંજૂર કર્યું અને તેને તાત્કાલિક શરૂ કરવાના નિર્દેશો આપ્યા. હવે મોડદર અને પસવારી ગામ વચ્ચે માઇનોર બ્રિજ, કલવર્ટ અને ત્રણ કિલોમીટરના રસ્તાના નિર્માણનું કામ શરૂ થશે.
આ સમસ્યાના નિરાકરણથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. ગામના રહેવાસી લખમણભાઈએ જણાવ્યું કે CM સાથેની મુલાકાતના ચોથા જ દિવસે મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO) તરફથી ફોન આવ્યો કે તેમની સમસ્યાનું નિરાકરણ થઈ ગયું છે અને ₹9 કરોડની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા ઘણા વર્ષોથી ગામના લોકોની લાગણી હતી કે કુતિયાણા જવા માટે રસ્તો અને પુલ બને. હાલમાં ગ્રામજનોને આશરે 20 કિલોમીટરનું અંતર કાપીને ચાર ગામો પાર કરીને જવું પડે છે.



