BZ કૌભાંડની તપાસમાં ચોંકાવનારા ખુલાસા: 11,000 લોકોનું રોકાણ અને 3 ક્રિકેટર સામેલ…
અમદાવાદ: ગુજરાતમાં રૂપિયા 6,000 કરોડના બીઝેડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની શુક્રવારે સાંજે ધરપકડ કરવામાં આવ્યા બાદ શનિવારે ન્યાયાધીશના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. સી. આઈ. ડી. ક્રાઈમને આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.
રોકાણકારોની વિગતો માટે હતી વેબસાઇટ
ધરપકડ બાદ હાલ રિમાન્ડ પર રહેલા આરોપી ભૂપેન્દ્ર ઝાલાની તપાસ ચાલી રહી હતી. સીઆઈડી ક્રાઈમના પરિક્ષીતા રાઠોડે આ અંગે માહિતી આપી છે. પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કુલ કેટલુ રોકાણ કરેલું છે અને કોણે કોણે કર્યું છે તે અંગે પૂછવામાં આવ્યું હતું. આરોપીએ કહ્યું હતું કે રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર કાયમી એન્ટ્રી કરવામા આવતી હતી અને સાઇટના ડેટા અનુસાર BZ ગ્રુપમાં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનુ રોકાણ કર્યાની આરોપીએ કબૂલાત કરી છે.
100 કરોડની મિલકત વસાવી
CID ક્રાઈમના ડીઆઈજી પરિક્ષિતા રાઠોડ જણાવ્યું હતું કે આરોપી દ્વારા પોન્ઝી સ્કીમ હેઠળ કુલ 11 હજાર લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું છે. આરોપી દ્વારા રોકાણકારોને કઈ રીતે લલચાવવામાં આવતા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ 100 જેટલા રોકાણકારોના પણ નિવેદન પણ લેવામાં આવ્યા છે, જેમાંથી આરોપીએ 100 કરોડની મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : 1 જાન્યુઆરી 2025થી અમદાવાદથી ઉપડતી આ ટ્રેનોના બદલાશે સમય, જુઓ લિસ્ટ
4 નવા મોબાઇલ, 3 સીમકાર્ડથી સંપર્ક
આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ 100 કરોડની મિલકતમાંથી 80 કરોડની સ્થાયી મિલ્કત વસાવી છે, જ્યારે 20 કરોડની અન્ય મિલ્કત છે. આરોપી કૌભાંડ બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં નાસતો ફરતો હતો. ત્યાર બાદ તે મહેસાણાના દવાડા ગામ ખાતેનાં ફાર્મહાઉસ પર આશરે 14 દિવસ રોકાયો હતો. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પાસેથી તેના 4 જૂના મોબાઇલ ફોન તેમ જ ગુનો દાખલ થયા બાદ નવા 4 મોબાઇલ ફોન ખરીદીને 3 નવા સીમકાર્ડ મેળવી 3 નવા ડોન્ગલ દ્વારા વોટ્સએપ કોલથી તેના સાગરિતોનાં સંપર્કમાં રહ્યો હોવાની વિગતો સામે આવી છે.
અત્યારે 450 કરોડ રુપિયાનું કૌભાંડ
CID ક્રાઈમે જણાવ્યું કે આ કૌભાંડમાં 3 ક્રિકેટરના નામ પણ સામે આવ્યા છે. આ કેસની તપાસ માટે આગામી સમયમાં ક્રિકેટરને પણ તપાસ માટે બોલાવવામાં આવશે. હાલ સુધીની તપાસમાં સામે આવ્યું છે આ કૌભાંડનાં કુલ રોકાણની અંદર એક કરોડથી વધુ રૂપિયાનું રોકાણ 10 વ્યક્તિઓએ કર્યું છે. તપાસ કરી રહેલી એજન્સીએ કહ્યું કે 6000 કરોડના કૌભાંડની સામે અત્યારે 450 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે.