મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ પ્રધાન સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય શ્રમ અને રમત-ગમત પ્રધાન મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન મહત્વકાંક્ષી પ્રોજેકટ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ની સ્થળ મુલાકાત લઈને હાથ ધરવામાં આવી રહેલા કામોની સમીક્ષા કરી હતી.

‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનો તબક્કો એક એ હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે.

આ ગેલેરીમાં આઈએનએસ નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને યુએચ 3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વિશાળ નેશનલ મેરી ટાઈમ હેરિટેજ મ્યુઝીયમનું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયોમો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝીયમ ‘વિરાસત ભી વિકાસ ભી’ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરશે.