સસ્તું મોંઘું પડ્યુંઃ સસ્તા સોનાની લ્હાયમાં ભુજના વેપારીએ 81 લાખ ગુમાવ્યા

અમદાવાદઃ બજારના ઊંચા ભાવ કરતાં ઓછા ભાવે શુદ્ધ સોનુ આપવાના નામે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર લલચામણી જાહેરાતો આપીને લોકો સાથે છેતરપિંડી આચરતી રહેતી કચ્છની કુખ્યાત ટોળકીની જાળમાં સપડાયેલા રાજસ્થાનના જોધપુરના જ્વેલર્સ સાથે સસ્તાં સોનાના બહાને વિવિધ રીતે અલગ-અલગ સમયે કુલ રૂા.૮૧,૧૮,૪૦૦ની ઠગાઈ આચરતાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.
ગત વર્ષના ડિસેમ્બરથી આજ સુધી બનેલા આ છેતરપિંડી અંગે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે જોધપુરના સોના-ચાંદીના વેપારી હિરાલાલ હપ્પારામજી ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કૃણાલ જોશીનું નામ ધારણ કરનારા નવાબ હયાત કકલે કૃણાલ નામની ફેસબુકની ફેક આઇડી બનાવી સોનાનાં બિસ્કિટો વેચાણની પોસ્ટ જોતાં તેઓએ ગત તા. ૨૪-૧૨-૨૦૨૪ના રોજ વેપાર કરવાની ઇચ્છા દર્શાવતો ફેસબુક પર મેસેજ કર્યો હતો જેના જવાબમાં શખ્સે જણાવ્યું હતું કે, પોતે દુબઇથી ગોલ્ડ બિસ્કિટનો ધંધો કરે છે અને કસ્ટમ સાથે ઓળખાણ હોવાનું જણાવીને તેમને ભુજ બોલાવ્યો હતો.
આપણ વાચો: થાણેની શૈક્ષણિક સંસ્થાના ભૂતપૂર્વ કાઉન્સેલર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો
આરોપી નવાબ જેનું સાચું નામ ઇકબાલ ઉર્ફે અક્કી મામદ ચૌહાણનાં મકાને આરોપી નવાબ અને ઇકબાલ ઉર્ફે મચ્છર કાસમ જત અને ઇમ્તિયાઝ ઇબ્રાહીમ જત સાથે બેઠક કરાવી હતી અને બે સાચા સોનાના બિસ્કિટને જાળમાં સપડાવવા માટે બજાર ભાવ કરતાં ૧૫ ટકા ઓછા ભાવે આપી આરોપી ઇમ્તિયાઝ જત પોતે કસ્ટમનો અધિકારી હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો.
આ બાદ ફરિયાદીએ છ બિસ્કિટ દુબઈથી મંગાવવા માટે ૪૦ લાખનું આંગડિયું કર્યું હતું. આરોપીએ જણાવ્યું કે, તમને છની સામે ૧૪ સોનાનાં બિસ્કિટ મોકલી આપીએ, જેના રૂા. ૧૧ લાખ આપવાનું કહેતાં તે પણ આપી દીધા હતા.
આ બાદ ૧૦૦ ગ્રામનું બિસ્કિટ આપ્યા બાદ મુંબઇ એરપોર્ટમાં સોનું કસ્ટમ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યું હોવાના બહાને પાંચ કિલો સોનાનાં બિસ્કિટ સસ્તામાં આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ૨૫ લાખ બાદમાં પાંચ લાખ એમ અલગ-અલગ સમયે વિવિધ બહાના બતાવી કુલ રૂા. ૮૧,૧૮,૪૦૦ મેળવી લઈને સોનું કે નાણાં પરત ન આપી ઠગાઇ આચરી હતી.
પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે અને લોકોને ઠગ ટોળકીથી સાવધાન રહેવાની અપીલ કરી છે.



