અમદાવાદ

યાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ અમદાવાદ સ્ટેશન પર મોટા ફેરફાર, કઈ ટ્રેનો ક્યાંથી ઉપડશે અને ક્યાં ઊભી રહેશે?

અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશન (કાલુપુર જંકશન) પર ચાલી રહેલા પુનર્વિકાસના કામકાજને કારણે 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર, 2025 સુધી 70 દિવસના સમય માટે અમુક ટ્રેનના ટર્મિનલ અને સ્ટોપેજમાં હંગામી ધોરણે ફેરફાર કર્યાં છે. આ ફેરફાર હેઠળ અમદાવાદથી શરૂ થતી અથવા સમાપ્ત થતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને હંગામી રૂપે મણિનગર, વટવા અને અસારવા સ્ટેશનો પર સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદ સ્ટેશન પર કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ અસ્થાયી રૂપે હટાવીને તેના બદલે સાબરમતી (જેલ સાઈડ) અને સાબરમતી (ધરમનગર સાઈડ) સ્ટેશનો પર વૈકલ્પિક સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ હવે પ્લેટફોર્મ નંબર 6 થી 8 પર કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરીને કારણે 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી, એટલે કે 70 દિવસનો મેગા બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના લીધે અમદાવાદ સ્ટેશનથી ઉપડતી કે આવતી 6 ટ્રેનોને મણિનગર, વટવા અને અસારવા સ્ટેશન પર શિફ્ટ કરાશે, જ્યારે અમદાવાદ સ્ટેશન પર ઊભી રહેતી 19 ટ્રેનને સાબરમતીમાં સ્ટોપેજ અપાશે.

આ પણ વાંચો: અમદાવાદ રેલવે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ: કાલુપુર સ્ટેશન પર મેગા બ્લોક, 5 જુલાઈથી આ ટ્રેન માટે બદલાશે સ્ટેશન…

પાંચમીથી આ ટ્રેન સાબરમતી ખાતે ઊભી રહેશે

પાંચમી જુલાઈથી 12479 જોધપુર-બાંદ્રા એક્સપ્રેસ, 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ, 20495 જોધપુર-હડપસર એક્સપ્રેસ, 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસ, 22724 શ્રીગંગાનગર-નાંદેડ એક્સપ્રેસ, 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસ, અને 22966 ભગત કી કોઠી-બાંદ્રા એક્સપ્રેસ તથા 14702 બાંદ્રા-શ્રીગંગાનગર એક્સપ્રેસ ટ્રેન કાલુપુરને બદલે સાબરમતી ખાતે ઊભી રહેશે.

આટલી ટ્રેન પણ સાબરમતી ખાતે હોલ્ટ રહેશે

6 જુલાઈથી 22452 ચંડીગઢ-બાંદ્રા એક્સપ્રેસ અને 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસ, 7 જુલાઈથી 12960 ભુજ-બાંદ્રા એક્સપ્રેસ, 8 જુલાઈથી 22664 જોધપુર-ચેન્નઈ એગ્મોર એક્સપ્રેસ, 22916 હિસાર-બાંદ્રા એક્સપ્રેસ અને 20824 અજમેર-પુરી એક્સપ્રેસ, 9 જુલાઈથી 22992 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસ, 10 જુલાઈથી 12998 બાડમેર-બાંદ્રા એક્સપ્રેસ અને 20943 બાંદ્રા-ભગત કી કોઠી એક્સપ્રેસ, અને 11 જુલાઈથી 12966 ભુજ-બાંદ્રા એક્સપ્રેસ પણ સાબરમતી ખાતે ઉભી રહેશે.

આ ટ્રેનના પણ સ્ટોપેજમાં ફેરફાર

5 જુલાઈથી ગુજરાત ક્વીન (19034) મણિનગરથી ઉપડશે. ડબલડેકર (12932) 7 જુલાઈથી મણિનગરથી ઉપડશે. 5 જુલાઈથી ગુજરાત એક્સપ્રેસ (22953) અને ડબલડેકર એક્સપ્રેસ (12931) વટવા સ્ટેશનથી ઉપડશે. જ્યારે નવજીવન એક્સપ્રેસ (12656) 4 જુલાઈથી અને (12655) 5 જુલાઈથી અસારવા સ્ટેશનથી ઉપડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button