તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર, ગુજરાતની કઈ કઈ ટ્રેનોને થશે અસર ?

અમદાવાદ: પશ્ચિમ રેલવેએ રેલવે બોર્ડની નવી માર્ગદર્શિકાને અનુરૂપ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી, તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે મુસાફરોએ વન ટાઇમ પાસવર્ડ (OTP) વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. આ સુધારો રેલવે દ્વારા તત્કાલ બુકિંગમાં વધુ પારદર્શિતા લાવવા અને સામાન્ય મુસાફરોને ટિકિટ સરળતાથી મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો છે. આ નિયમ તત્કાલ ટિકિટ બુકિંગના તમામ માધ્યમો – PRS કાઉન્ટર્સ, અધિકૃત એજન્ટો, IRCTC વેબસાઇટ અને IRCTC મોબાઇલ એપ પર લાગુ થશે.
નવી પ્રક્રિયા મુજબ, જ્યારે પણ કોઈ મુસાફર તત્કાલ ટિકિટ બુક કરાવશે, ત્યારે સિસ્ટમ દ્વારા તેમના બુકિંગ સમયે નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. આ OTPની સફળ ચકાસણી (Authentication) થયા પછી જ ટિકિટ કન્ફર્મ ગણાશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના નિવેદન અનુસાર, આ વ્યવસ્થા સૌ પ્રથમ 1લી ડિસેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં શરૂ કરવામાં આવી હતી. હવે આ ફેરફાર 5મી ડિસેમ્બરથી અન્ય મુખ્ય ટ્રેનોમાં લાગુ કરવામાં આવી રહ્યો છે.
5મી ડિસેમ્બરથી આ નવી OTP વેરિફિકેશન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવેલી ટ્રેનોમાં મુંબઈ સેન્ટ્રલ–ઇન્દોર દુરંતો એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ–હિસાર દુરંતો એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ–હાપા દુરંતો એક્સપ્રેસ, અમદાવાદ–પુણે દુરંતો એક્સપ્રેસ, સાબરમતી–જોધપુર વંદે ભારત, મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી રાજધાની તેજસ, મુંબઈ સેન્ટ્રલ–હઝરત નિઝામુદ્દીન એ.કે. રાજધાની તેજસ એક્સપ્રેસ અને સાબરમતી–નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ પગલું તત્કાલ બુકિંગમાં થતી ગેરરીતિઓ અટકાવવા અને છેતરપિંડીને રોકવામાં મદદરૂપ સાબિત થશે, જેનાથી ખરેખર જરૂરિયાતમંદ મુસાફરોને તાત્કાલિક મુસાફરી માટે ટિકિટ મેળવવાની વધુ સારી તક મળશે.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન તેઓ પોતાનો સાચો અને ચાલુ હોય તેવો મોબાઇલ નંબર જ આપે. OTP વેરિફિકેશન સફળ ન થાય ત્યાં સુધી ટિકિટ કન્ફર્મ નહીં થાય, તેથી ઝડપી અને સફળ બુકિંગ માટે મોબાઇલ ફોન નજીક રાખવો અને તુરંત OTP દાખલ કરવો જરૂરી છે.
આ પણ વાંચો…રેલવે ટિકિટના એજન્ટો પર લાગશે હવે લગામ! તત્કાલ ટિકિટ પર પણ OTP ફરજિયાત



