અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી થયું ડિમોલિશન, ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે ફરી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બુધવારે સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા હતા. ઇસનપુર દશા માતા મંદિર નજીક તળાવની કેટલીક જગ્યામાં નાના કાચા પાકા મકાનો પણ તોડવામાં આવ્યા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અને સેક્ટર 2 જેસીપી તેમજ ઝોન 6 ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 500થી વધુ પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરેક ઝોનના અધિકારીને અલગ અલગ ધાર્મિક સ્થાન તોડવાની માહિતી આપી દેવામાં આવી હતી. 5 હિટાચી મશીન, જેસીબી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી કરી હતી. ગરીબ નવાબ મસ્જિદ ચંડોળામાં સૌથી મોટી મસ્જિદ હતી જેથી તેને સૌથી પહેલા ખાલી કરાવી દેવામાં આવી હતી. જેટલી પણ ધાર્મિક વસ્તુઓ અને પુસ્તકો સહિતની ચીજવસ્તુઓ હતી તેને મસ્જિદમાંથી હટાવી લેવામાં આવી હતી.

આપણ વાંચો:  આટલું રેઢિયાર તંત્ર? સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં નવજાતનું કીડી કરડવાથી મોત

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચંડોળા તળાવમાં બે તબક્કામાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ચંડોળા તળાવમાં તમામ કાચા પાકા નાના-મોટા મળી 12000થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ કેટલાક મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો તોડવાના બાકી રાખવામાં આવ્યા હતા. જેને આજે તોડવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button