
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા બીજા તબક્કાના ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. ચંડોળા તળાવમાં 9 નાની મોટી મસ્જિદો આવેલી છે. આજે વહેલી સવારથી મસ્જિદો તોડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કામગીરી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચંડોળા તળાવમાં સિરાજ નગરમાં આવેલી સિરાજ મસ્જિદને વહેલી સવારે તોડી પાડવામાં આવી છે. લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. ચંડોળા તળાવના વચ્ચેના ભાગે આવેલી તમામ મસ્જિદો સહિતના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવશે.
અફવા પર વિશ્વાસ ન કરોઃ જેસીપી જયપાલ સિંહ રાઠોડની અપીલ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, સેક્ટર-2ના જેસીપી જયપાલ સિંહ રાઠોડે કહ્યું, ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો ગઈકાલથી ચાલી રહ્યો છે. 99.9 ટકા ડિમોલિશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે કેટલાક ધાર્મિક સ્ટ્રક્ચરને તોડવામાં આવી રહ્યા છે. અમે લોકોને અફવા પર વિશ્વાસ ન કરવાની અપીલ કરીએ છીએ.
પ્રથમ દિવસે શું થયું
ચંડોળા તળાવના બીજા તબક્કાના ડિમોલિશનના પ્રથમ દિવસે 8500 કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 50 જેસીબી અને હિટાચીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન 3000 પોલીસકર્મી ખડેપગે રહ્યા હતા. 3800 લોકોએ અત્યાર સુધીમાં આવાસ માટેના ફોર્મ લીધા હતા.
ચંડોળા તળાવ બે ભાગમાં વહેંચાયેલું છે. છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ. હાલ છોટા ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. છોટા ચંડાળ તળાવ ઈસનપુર વિસ્તારમાં આવેલું છે અને અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઈસનપુર સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફ જતા રોડ પર આ વિસ્તાર આવેલો છે.
અમદાવાદનો ઐતિહાસિક વારસો ગણાતા ચંડોળા તળાવનો આખો નકશો માત્ર 14 વર્ષમાં બદલાઈ ગયો હતો. 2010માં, ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025 માં, એટલે કે 14 વર્ષ પછી, અહીંનું ચિત્ર બદલાઈ ગયું હતું. હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે દબાણ છે. બાંગ્લાદેશીઓએ મોટા પાયે આ વિસ્તારમાં કબજો કર્યો હતો.
આપણ વાંચો : ચંડોળા ડિમોલિશન પાર્ટ-2ની આજથી શરૂઆત, અંદાજે 8000 કાચા પાકા મકાન દૂર કરાશે…