ડભોઈમાં ભાજપ-કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું: 1500 કાર્યકરો ‘આપ’માં ભળ્યા?

ડભોઇ: ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી ત્રીજી પાર્ટી તરીકે ઊભરી રહી છે. 2022ની વિધાનસભાની ચૂંટણીથી લઈને છેલ્લે વિસાવદર અને કડી બેઠક પરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસ જેવી ઊંડા મૂળિયાં નાખી ગયેલી પાર્ટીને ટક્કર આપી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ વધુમાં વધુ લોકોને પાર્ટીમાં જોડવા માટે કમર કસી છે. આ દરમિયાન જ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે ડભોઇમાં ભાજપ અને કોંગ્રેસના 1500 આગેવાનો આપમાં જોડાયા હતા.
ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, “આમ આદમી પાર્ટી હાલ સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા દ્વારા લોકો સાથે સંપર્ક કરી રહી છે અને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને સાથે સાથે ભાજપ અને કોંગ્રેસના પણ આગેવાનો અને કાર્યકર્તાઓ ગુજરાત જોડો જનસભા દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે, આજે ડભોઇના પણસોલી ગામે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું જેમા હાજરી આપી અને આ કાર્યક્રમમા લગભગ 1500થી વધારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ તથા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.”
આ દરમિયાન તેમણે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, “ડભોઇ નગરપાલિકા કે મતવિસ્તારમાં ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોન્ટ્રાકટરોના જ ઘર ભરવામાં આવ્યા છે. સામાન્ય લોકોને અનેક સમસ્યા છે, લોકોને રોડની સમસ્યા છે, નળથી જળની સમસ્યા છે, મનરેગામાં રોજગારી નથી મળતી, આવાસના લાભ નથી મળ્યા. અહીં તમામ સમાજનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવતો હોવાનો તેમણે આરોપ કર્યો હતો. તેનણે આક્ષેપ કરતા કહ્યું હતું કે અહીં દારુ, ડ્રગ્સ પણ બેફામ વેંચાય છે.



