પ્લાસ્ટિક બોટલમાં પાણી અને અન્ય પીણાં પર સરકાર લગાવશે સેસ

અમદાવાદઃ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને પ્લાસ્ટિકનો કચરો ઓછો થાય તે માટે ગુજરાત સરકાર એક નવો નિયમ લાવવા જઈ રહી છે, જેનો બોજ ગ્રાહકો પર પડશે. જો નિયમ અમલમાં આવશે તો 1લી એપ્રિલથી ગુજરાતના ગ્રાહકોએ પાણીની પ્લાસ્ટિક બોટલ અને અન્ય પીણાં પર 10થી 20 ટકા વધારે કિંમત ચૂકવવી પડશે.
પ્લાસ્ટિકને લીધે થતાં કચરા અને તેના નુકસાનને ધ્યાનમાં રાખી આ પ્રકારે ક્લાઈમેટ ચેન્જ સેસ ઉઘરાવવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું છે. આવનારા સ્ટેટ બજેટમાં આ સેસ પ્રસ્તાવિત કરવામાં આવે, તેવી શક્યતા છે. જે પ્રોડક્ટની એમઆરપીના 10 કે 20 ટકા હોઈ શકે છે.
આ સેસ ઉઘરાવી જે નાણા ઊભા થશે તેને ક્લાઈમેટ ચેન્જને લીધે ઊભા થતા પ્રશ્નોના નિવારણ માટે વાપરવામાં આવશે. આ સાથે સુપરમાર્કેટ, મૉલ્સ વગેરે બહાર બોટલ લેન્ડિંગ મશીન લગાડવામાં આવશે, જેથી ગ્રાહકો બોટલ મશીનમાં નાખી પૈસા મેળવી શકે.
રાજયમાં નિયમિત રીતે લગભગ લાખોની સંખ્યામાં બોટલો ફેંકવામાં જાય છે. આ પ્લાસ્ટિક બોટલના ઉપયોગને ઓછો કરવા માટે અલગ અલગ વિભાગ સેસ કઈ રીતે લાગુ કરવી તે અંગે સૂચનો આપવા જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે વેન્ડિગ મશીનમાં બોટલ નાખ્યા બાદ રિફંડ માટે ગ્રાહકની બેંક ડિટેલ લેવામાં આવશે અને તેન ડાયરેક્ટ બેંકખાતામાં આપવામાં આવશે. આ તમામ અંગે હજુ કામ ચાલુ છે, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.



