સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો બની રહ્યો છે ‘કેન્સર કેપિટલ’: પ્રશાસન બન્યું સતર્ક
અમદાવાદ: આજના સમયમાં કેન્સરની બીમારી આરોગ્ય ક્ષેત્ર માટે એક મોટો પડકાર બની ગયો છે. કેન્સરની જાગૃતિ માટે દેશમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં દિનપ્રતિદિન કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં કેન્સરના દર્દીઓની સંખ્યા ચિંતા ઉપજાવનારી છે. જિલ્લાના અનેક તાલુકા આજે તેના ‘હબ’ બની ગયા છે.
આજે દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. જો કે ગુજરાતમાં પણ તેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. રાજ્યમાં સૌથી વધારે તેનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રના દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, વેરાવળ, કેશોદ સહિતના પંથક કેન્સરના હોટ સ્પોટ છે. તમાકુના વ્યસનનું પ્રમાણ વધુ હોય આથી ગાલ-ગલોફાના કેન્સરના દર્દીઓ છે.
આપણ વાંચો: પર્યાવરણનો સોથ વાળવાનું પડી રહ્યું છે ભારેઃ ધૂમ્રપાન નહીં કરો તો પણ બનશો કેન્સરના શિકાર કારણ કે…
સૌરાષ્ટ્રમાં કેન્સરનું પ્રમાણ વધુ
પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધુ છે. જો કે અહી કેન્સરમાં સૌથી વધુ પ્રમાણ મોઢાનું છે. કેશોદ કે વેરાવળ સોમનાથ વિસ્તારમાં આ પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. કેન્સરના દર્દીઓમાં સ્ત્રીઓ અને પુરુષો બંને છે. સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર અને અંડાશયના કેન્સર જોવા મળી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં કેન્સરના દર્દીઓ
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં અંદાજે 155 કેસ, જૂનાગઢ તાલુકામાં કુલ 192 કેસ, કેશોદ તાલુકામાં 381 કેસ, માળીયાહાટીના તાલુકામાં 224 કેસ, માણાવદર તાલુકામાં 160 કેસ, માંગરોળ તાલુકામાં 299 કેસ, મેંદરડા તાલુકામાં 110 કેસ, વંથલી તાલુકામાં 223 કેસ, જ્યારે વિસાવદર તાલુકામાં 225 કેસ છે.
આપણ વાંચો: કેન્સર માટે સરકારની યોજના બની આધાર; 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
વધતા કેસની સંખ્યા ગંભીર બાબત
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર રાજકોટની કેન્સર હોસ્પિટલમાં જ રોજ 400થી 500 જેટલા કેન્સરના દર્દીની સારવાર થાય છે. આ દર્દીઓની સંખ્યામાં દરરોજ 50 જેટલા નવા દર્દી ઉમેરાય છે.
અહી દૈનિક બારથી 15 જેટલા ઓપરેશન કરવામાં આવે છે. તે ઉપરાંત જૂનાગઢ પાસે આવેલી કેન્સર હોસ્પિટલમાં દરરોજ સો જેટલા દર્દીઓ કેન્સરની તપાસ અને તેની સારવાર માટે હોસ્પિટલમાં આવે છે. આ આંકડાઓ ખૂબ જ ગંભીર બાબત છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.