CA Results: અમદાવાદ કેન્દ્રનું 23.18 ટકા, ઈન્ટરમિડીયેટનું 12.35 ટકા અને ફાઉન્ડેશન પરીક્ષાનું 18.90 ટકા પરિણામ

અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સપ્ટેમ્બર 2025માં લેવામાં આવેલી સીએ ફાઈનલ, સીએ ઈન્ટરમિડીયેટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા.
આ અંગે માહિતી આપતા આઈસીએઆઈનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2025માં લેવામાં આવેલી સીએ ફાયનલ કોર્સની પરીક્ષામાં બંને ગ્રુપોમાં સમગ્ર ભારતનું પરિણામ 16.23 ટકા છે. જે મે 2025માં 18.75 ટકા હતું. ગ્રુપ 1નું પરિણામ 24.66 ટકા છે, જે મે 2025માં 22.38 ટકા અને ગ્રુપ 2માં25.26 ટકા છે, જે મે 2025માં 26.43 ટકા હતું.
બંને ગ્રુપોમાં કુલ 16800 વિદ્યાર્થીઓ બેઠા હતાં. જેમાંથી 2727 પાસ થયા હતા. સીએ ઈન્ટરમિડીયેટ કોર્સમાં ભારતનાં પરિણામો અંગે સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું કે, બંને ગ્રુપોનું પરિણામ 10.06 ટકાનું છે, જે મે 2025માં 13.22 ટકા હતું.
આપણ વાચો: CA ફાઇનલ પરિણામમાં અમદાવાદનો દબદબોઃ પ્રિયલ જૈન અને પાર્થ શાહ ઝળક્યા ઓલ ઈન્ડિયા રેન્કમાં
ગ્રુપ 1નું પરિણામ 9.43 ટકા અને ગ્રુપ 2નું પરિણામ 27.14 ટકાનું છે. જે મે 2025માં અનુક્રમે 14.67 ટકા અને 21.51 ટકા હતું. તેમણે વધુમાં જણાવ્યું કે સીએ ફાઉન્ડેશન કોર્સમાં ઓલ ઈન્ડિયાનું પરિણામ 14.78 ટકા હતું. જે મે 2025માં 15.09 ટકા હતું.
સીએ ફાઈનલ કોર્સમાં અમદાવાદ કેન્દ્રના પરિણામો અંગે માહિતી આપતા આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન સીએ નીરવ અગ્રવાલે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2025માં લેવાયેલી સીએ ફાઈનલ પરીક્ષામાં બંને ગ્રુપનું પરિણામ 23.18 ટકા, ગ્રુપ 1નું પરિણામ 23.44 ટકા અને ગ્રુપ 2નું પરિણામ 27.20 ટકાનું છે. જે મે 2025માં લેવાયેલી પરીક્ષામાં અનુક્રમે 19.35 ટકા, 23.28 ટકા અને 20.10 ટકાહતું. અમદાવાદ કેન્દ્રના સુમિત હસરાજાની ભારતમાં 10મો રેન્ક અને ઇશા અરોરાએ 20મો રેન્ક મેળવ્યો હતો.
અમદાવાદની ક્રિતિ શર્માનો ઓલ ઇન્ડિયા બીજો રેન્ક
સીએ નીરવ અગ્રવાલે સીએ ઈન્ટરમિડીયેટ કોર્સની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનાં પરિણામો અંગે જણાવ્યું હતું કે બંને ગ્રુપનું પરિણામ 12.35 ટકા, ગ્રુપ 1નું પરિણામ 9.58 ટકા અને ગ્રુપ 2નું પરિણામ 37.53. ટકાનું છે. મે 2025માં લેવાયેલી પરીક્ષામાં આ પરિણામ અનુક્રમે 10.62 ટકા, 13.99 ટકા અને 33.18 ટકા હતું.
અમદાવાદની ક્રિતિ શર્માએ ઓલ ઇન્ડિયા બીજો રેન્ક અને ખુસવંતકુમારે 18મો રેન્ક મેળવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીએ ફાઉન્ડેશન કોર્સમાં સપ્ટેમ્બર 2025માં લેવાયેલી પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનું પરિણામ 18.90 ટકા હતું. જે મે 2025માં લેવાયેલી પરીણામ 13 ટકાહતું.



