અમદાવાદ

BZ Scam: ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, તપાસમાં થયા અનેક ખુલાસા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રૂપની પોન્ઝી સ્કીમ ચલાવી 6,000 કરોડનું કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સીઆઈડી ક્રાઈમે ફરી એત વખત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી વધુ 6 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ભૂપેન્દ્રસિહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટના મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રિમાન્ડ માગતા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, 28 ડિસેમ્બરે આરોપીની અટકાયત કરાઈ હતી. જેના અગાઉ 7 દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા હતા. આજે આ રિમાન્ડ પૂર્ણ થતાં વધુ 6 દિવસના રિમાન્ડની જરૂર છે.

બીઝેડ ફાઇનાન્સની વેબસાઇટ મુજબ બીઝેડમાં 11,232 રોકાણકારો છે, જેઓએ 422.96 કરોડનું રોકાણ કર્યું છે. તે રોકાણકારોને મહિને ત્રણ ટકા વ્યાજની લાલચ આપતો હતો. આરોપીએ કરેલા રોકડ વ્યવહારોની તપાસ જરૂરી છે. બીઝેડના એજન્ટોને માર્કેટિંગ ચેઇન મુજબ 1 ટકા, 0.50 ટકા, 0.25 ટકા, 0.10 ટકા મુજબ અનુક્રમે કમિશન મળતું હતું. આ કેસમાં કેટલા એજન્ટ છે અને તેમની વિરુદ્ધ પુરાવા મેળવવા તપાસ કરવાની બાકી છે. આરોપીના લેપટોપ ટેલીમાં હિસાબો રહેતા હતા, તે કબ્જે કરવાનું અને હિસાબોનો તાળો મેળવવાનો બાકી છે. આરોપીએ 300 અને 100 રૂપિયાનાં સ્ટેમ્પનું ફ્રેંકિંગ મોડાસા નાગરિક સહકારી બેંક અને સર્વોદય નાગરિક બેંકમાં કરાવી, કુલ 12,518 સ્ટેમ્પ ખરીધા હતા. વેબસાઈટમાં મળેલા 11,232 રોકાણકારો પૈકી 1286 રોકાણકારોની એન્ટ્રી મળી નથી. આરોપી એક રોકાણકાર પાસેથી વધુમાં વધુ 6 કરોડનું રોકાણ લેતો હતો. તેને 4 કરોડથી 25 લાખના 230 લોકો પાસેથી રોકાણ મેળવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના BZ Scam ના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ

આરોપીએ 40 સ્માર્ટ ફોન હિંમતનગરથી ખરીદ્યા હતા હવે ફોન તે એજન્ટોને આપ્યા કે કેમ તે જાણવાનું છે. આરોપીએ અન્ય કોઈ મિલકત ખરીદી છે? જેનું રોકાણ લેતા તેના ફોર્મ ભરાવતા તે ભૂપેન્દ્ર ઝાલા પોતાની ઓફિસમાં રાખતા તે કબ્જે કરવાના છે. વેબસાઈટમાં રોકાણકારોના ડેટા મુજબ રોકાણના 422.96 કરોડથી રોકાણકારોને 172.59 કરોડ ચૂકવવાના બાકી છે. ઉપરોક્ત તમામ માહિતી અગાઉના 7 દિવસના રિમાન્ડ દરમિયાન મળી છે. અત્યાર સુધીમાં 600 કરોડના રોકાણ અંગે જાણવા મળ્યું છે. કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ભૂપેન્દ્ર ઝાલાના 3 દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સીઆઈડી ક્રાઈમની તપાસમાં 62 શિક્ષકો પણ મહાઠગની માયાજાળમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતાં હોવાની વાત સામે આવી છે. ઉપરાંત સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે. દુકાનમાં કોની અવર જવર હતી, કેટલા વાગે દુકાન ખુલતી અને બંધ થતી તેની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાંતિજમાં બીઝેડ ગ્રુપની જે જગ્યાએ ઓફિસ આવેલી છે તેની આસપાસની દુકાનોના માલિકના પણ નિવેદન લેવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button