બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ અમદાવાદ કેડિલા ફ્લાયઓવર પર મૂકાયો

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક પગથિયું ઉપર ચડ્યો છે. પ્રોજેક્ટનો 11મો 70 મીટર લાંબો સ્ટીલ બ્રિજ અમદાવાદ જિલ્લામાં કેડિલા ફ્લાયઓવર પર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ સ્ટીલ બ્રિજનું વજન 670 મેટ્રિક ટન છે. તે 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. આ આ બ્રિજ નવસારીમાં એક વિશિષ્ટ વર્કશોપમાં કરવામાં આવ્યું હતું અને તેને હેવી-ડ્યુટી ટ્રેઇલર્સનો ઉપયોગ કરીને સ્થળ પર પહોંચાડવામાં આવ્યો હતો.
આપણ વાચો: પીએમ મોદી અંત્રોલી સ્ટેશનની મુલાકાત લઈ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કરશે સમીક્ષા
તેને કેડિલા ફ્લાયઓવર અને ભારતીય રેલ્વે ટ્રેક નજીક જમીનથી 16.5 મીટરની ઊંચાઈએ ખાસ ડિઝાઇન કરેલા સ્ટીલ સ્ટેજિંગ પર અસેમ્બલ કરવામાં આવ્યો હતો. આ પુલ આશરે 29,300 ટોર-શીયર ટાઇપ હાઇ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી હતી.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ 28 સ્ટીલ પુલ બનાવવાની યોજના છે. તેમાંથી 17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં બનાવવામાં આવી રહ્યા છે. આ સ્ટીલ પુલ ખાસ કરીને બુલેટ ટ્રેન કોરિડોરને રેલ્વે ટ્રેક, નદીઓ અને હાઇવે પરથી પસાર થવા દેવા માટે બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેનનો પહેલો તબક્કો 2027માં શરૂ થવાની સંભાવના છે.



