અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 199મું અંગદાનઃ BSF જવાને 4 લોકોને નવજીવન આપ્યું…

અમદાવાદઃ સૈનિક ક્યારેય મૃત્યુ પામતા નથી તેઓ અમર થાય છે. તેમનો અંતિમ શ્વાસ પણ દેશસેવા માટે કામ લાગે છે આ વાત ખરા અર્થમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચરિતાર્થ થઇ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીએસએફના એક જવાન બ્રેન્ડેડ છતાં તેમના સ્વજનોએ અંગદાન કરીને પરોપકારભાવ સાથે દેશ સેવાનો પરચો આપ્યો હતો.
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તા.૦૪.૦૭.૨૦૨૫ ના રોજ ૧૯૯ મું અંગદાન થયું હતું. મૂળ પ.બંગાળના રહેવાસી ૪૮ વર્ષીય રાધાક્રિષ્ન રાય BSF માં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. તા.૨૯.૦૬.૨૬ ના રોજ નાના ચીલોડા ખાતે સાંજે ૮ વાગ્યાની આસપાસ એક્ટિવા સ્લીપ થતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

જેથી તેમને પ્રથમ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ તેમને તે જ દિવસે મોડી રાતે સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ૭૨ કલાક કરતા વધારે સમયની સઘન સારવાર બાદ તા. ૦૩.૦૭.૨૫ ના રોજ ડૉક્ટરોએ રાધાક્રિષ્ન રાયને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇન ડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા સિવિલ હોસ્પિટલમાં હાજર પરીવારજનો એ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. BSF જવાન રાધાક્રિષ્ન રાયના અંગદાનથી મળેલ હ્રદયને સિવિલ મેડિસિટી કેમ્પસની યુ.એન.મેહતા હોસ્પિટલ અને એક લીવર તેમજ બે કીડની ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૯૯ અંગદાતાઓ થકી કુલ ૬૫૨ અંગોનું દાન મળ્યું છે. જેમાં ૧૭૪ – લીવર, ૩૬૨- કીડની, ૧૩-સ્વાદુપિંડ, ૬૩-હ્રદય, ૩૨-ફેફસા, ૬-હાથ, ૨-નાના આંતરડા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ સ્કીન બેંકને અત્યાર સુધી માં ૨૧ જેટલી ચામડીનુ પણ દાન મળ્યુ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલ ૧૯૯ માં અંગદાન સાથે આજ દિન સુધી ૬૩૩ જેટલા લોકોને નવી જિંદગી આપણે બક્ષી શક્યા છીએ તેમ ડૉ. જોષીએ ઉમેર્યુ હતું.