ધારાસભ્ય પર દારૂના ધંધાના આક્ષેપ કરનારા આરોપીનું જેલમાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ દારૂના ધંધાનો ઉનાના વિધાનસભ્ય પર આક્ષેપ કરનારા જેલમાં બંધ વ્યક્તિનું મોત થયું હતું. જોકે તેનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનું જાણવા મળ્યું હતું. ગુજસીટોકના ગુનામાં બુટલેટર ભગા ઉકા જાદવ જેલી સજા કાપી રહ્યો હતો. આરોપીએ થોડા દિવસો પહેલા એક પત્ર લખી રાજકીય માહોલ ગરમ કરી દીધો હતો. તેણે ઉનાના ભાજપના વિધાનસભ્ય કાળુ ચનાભાઈ રાઠોડને પત્ર લખ્યો હતો અને તેમાં દારૂના ધંધામાં વિધાનસભ્ય પણ બરાબરના ભાગીદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. પત્રમાં એવો દાવો પણ કરાયો હતો કે ધારાસભ્યના કહેવાથી જ તેણે દારૂવો ધંધો કર્યો હતો. ત્યારબાદ જેલતંત્રએ તપાસ પણ કરી હતી. તેણે ધંધામાં ધારાસભ્ય સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાનો દાવો કર્યો હતો અને જેલમાંથી છૂટીને તે બાકીનો નાણાનો હિસાબ કરી દેશે તેમ પણ કહ્યું હતું.
ભગા ઉકા જાદવ મૂળ ગીર ગઢડાનો રહેવાસી હતો. તે ઘણા ગંભીર ગુનામાં આરોપી હતો. તેના મોતથી જેલ પ્રસાશન સતર્ક થઈ ગયું હતું. જેલમાં તેનું મોત થયું હોવાથી કાયદાકીય રીતે તેનું પોસ્ટમોર્ટમ થશે. હાલમાં જેલ પ્રશાસન હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવી રહ્યું છે.



