અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે: બોઇંગ કંપનીની ટીમ અમદાવાદ પહોંચી

અમદાવાદ: ગુરુવારના રોજ અમદાવાદમાં થયેલી AI-171 ફ્લાઇટની પ્લેન દુર્ઘટનાની તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ તરત જ ભારતીય એજન્સીઓ જેવી કે ફોરેન્સિક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS ) અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. હવે આ તપાસમાં અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે.
મળતી વિગતો અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસમાં અમેરિકાની પ્રતિષ્ઠિત એજન્સીઓ, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB), તેમજ દુર્ઘટનાગ્રસ્ત પ્લેન બનાવનાર ‘બોઇંગ કંપની’ પણ જોડાશે. આ સંબંધમાં, બોઇંગ કંપનીની એક નિષ્ણાત ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે.
આંતરરાષ્ટ્રીય એજન્સીઓનો સહયોગ લેવામાં આવ્યો
દુર્ઘટના બાદ તરત જ, ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા 13 જૂન, 2025ના રોજ ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ પણ ખાતરી આપી હતી કે, “તપાસ ICAOના આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર પારદર્શક રીતે કરવામાં આવશે.” આ દુર્ઘટનાની ઉંડાણપૂર્વક અને વ્યાપક તપાસ સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓનો સહયોગ લેવામાં આવ્યો છે.
બોઇંગના નિષ્ણાતોની ટીમ અમદાવાદ પહોંચી
દુર્ઘટનાગ્રસ્ત પ્લેન, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, બોઇંગ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું. પરિણામે, ઘટનાના મૂળ કારણો શોધવા માટે બોઇંગ કંપનીના નિષ્ણાતોની ટીમ અમદાવાદ આવી છે. બોઇંગની આ ટીમ ભારતના AAIBને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના એનેક્સ-13 પ્રોટોકોલ મુજબ, વિમાન ઉત્પાદક કંપની આવી તપાસમાં સામેલ થઈ શકે છે.
આ પણ વાંચો - પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમયાત્રા: રાજકોટમાં ટ્રાફિક પ્રતિબંધો, પોલીસ કમિશનરનું જાહેરનામું
દુર્ઘટના બાદ તરત જ, બોઇંગ કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “અમે દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશું.” આ નિવેદન બાદ આજે કંપનીના નિષ્ણાતોની ટીમ અમદાવાદ પહોંચી છે. આ નિષ્ણાતોની ટીમ ખાસ કરીને વિમાનની ડિઝાઇન, મેન્ટેનન્સ રેકોર્ડ્સ અને સંભવિત ટેકનિકલ ખામીઓનું બારીકાઈથી વિશ્લેષણ કરશે.