ખતરો! રાત્રે અમદાવાદ એરપોર્ટના રનવે પર લોહીના ડાઘ મળ્યા,લેવાયો મોટો નિર્ણય

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન વેની આસપાસ પક્ષીઓ અને પ્રાણીઓના હુમલા (બર્ડ સ્ટ્રાઇક)નું જોખમ ઘટાડવા માટે મોટા પાયે વન્યજીવ વ્યવસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત વન વિભાગ સાથે સંકલનમાં કામ કરીને, એરપોર્ટ દ્વારા એરપોર્ટની અંદર અને તેની આસપાસ જોવા મળતી પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓની ઘણી પ્રજાતિઓને શહેરથી ઓછામાં ઓછા 50-100 કિમી દૂરના સ્થળોએ ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વન્યજીવ વ્યવસ્થાપનના પગલાં હંમેશા અમલમાં હતા, પરંતુ AI-171 વિમાન દુર્ઘટનાના પગલે તેમાં વધારો કરવામાં આવ્યો છે. હાલમાં લગભગ 1000 વિશાળ ચામાચીડિયાંને ખસેડવાની મોટી કાર્યવાહી ચાલી રહી છે. સાબરમતીના કિનારે એરપોર્ટ નજીક કોતરપુર પાસે મોટી સંખ્યામાં રહેતા આ ચામાચીડિયાંઓને પકડીને પોલો ફોરેસ્ટમાં છોડવામાં આવી રહ્યા છે. પોલો ફોરેસ્ટ અમદાવાદ શહેરથી લગભગ 150 કિમી દૂર આવેલો એક સંરક્ષિત વિસ્તાર છે.
પક્ષીઓના કુદરતી રહેઠાણોને ખલેલ ન પહોંચે અને તેઓ નવા વાતાવરણમાં અનુકૂળ થઈ શકે તે માટે હાલ વન વિભાગ યોગ્ય રિલીઝ ઝોનની ઓળખ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રાણીઓને ઓછી ખલેલ પહોંચે અને રિલીઝ સાઇટ્સ પર ઇકોલોજીકલ સંતુલન જળવાઈ રહે તે માટે નિષ્ણાતની દેખરેખ હેઠળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.
સૂત્રો મુજબ, વિશાળ ચામાચીડિયાં ખાસ ચિંતાનો વિષય બન્યા હતા. રાત્રિના નિરીક્ષણ દરમિયાન, રનવે પર અથવા વિમાનની નજીક લોહીના ડાઘા ઘણીવાર જોવા મળતા હતા, પરંતુ કોઈ પીંછા નહોતા, જે ચામાચીડિયાંના હુમલા તરફ ઈશારો કરતા હતા. આ તારણો બાદ અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભલામણોના આધારે, સંયુક્ત સમીક્ષા બેઠકોની સીરિઝ દરમિયાન અમુક પ્રજાતિઓને ખસેડવાનો નિર્ણય લેવાયો હતો.
ટિટોડી, સમડી, કાગડો સહિતના પક્ષીઓ પાછા ન ફરે તે માટે ઓછામાં ઓછા 50-100 કિમી દૂરના વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે.
આ જાતિઓ પર ચાલુ વન્યજીવ જોખમ વ્યવસ્થાપનના ભાગરૂપે દેખરેખ રાખવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે, સ્થળાંતર પ્રોજેક્ટ તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યો છે અને આ કામગીરીની દેખરેખ માટે વ્યાવસાયિક વન્યજીવ સંચાલકોની એક ટીમની નિમણૂક કરવામાં આવી છે. એરપોર્ટ દ્વારા બર્ડ સ્ટ્રાઇક જોખમ વ્યવસ્થાપન પ્રોટોકોલ પણ સઘન બનાવ્યા છે, જેમાં રનવે પરની પેટ્રોલિંગમાં વધારો, ઘાસની નિયમિત કાપણી, ખોરાકના સ્ત્રોતો દૂર કરવા અને બાયો-એકોસ્ટિકનો ઉપયોગ સામેલ છે.
આપણ વાંચો: ‘કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં’: નીતિન પટેલ



