અમદાવાદ

ગુજરાતમાં બ્લેકઆઉટ મોકડ્રિલ: અમદાવાદ, બોટાદ, જામનગર સહિત અનેક શહેરોમાં છવાયો અંધારપટ

અમદાવાદ: ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ આજે, 31 મે, 2025ના રોજ, ગુજરાતભરમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત નાગરિક સંરક્ષણ કવાયતના ભાગરૂપે વિવિધ શહેરો અને જિલ્લાઓમાં બ્લેકઆઉટ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને કટોકટીની સ્થિતિમાં જાગૃત કરવા અને તેમને “ઓપરેશન શિલ્ડ” ના મહત્વ અને જરૂરિયાત વિશે સમજાવવાનો હતો. અમદાવાદના શાહીબાગના સદર બજાર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રાત્રે 7:45 થી 8:15 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.

Blackout mock drill in Gujarat: Darkness engulfs many cities including Ahmedabad, Botad, Jamnagar

રાજકોટના માધાપરમાં સર્જાયો સંપૂર્ણ અંધારપટ

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેરમાં મોકડ્રિલ દરમિયાન નાગરિકોએ સ્વયંભૂ રીતે પોતાની લાઇટો બંધ રાખીને સંપૂર્ણ અંધારપટ સર્જી દીધો હતો. ભાવનગરના સિદસર વિસ્તારમાં રાત્રે 7:45 થી 8:15 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. સાયરન વાગતા જ નાગરિકોએ પોતાની લાઇટો બંધ કરીને બ્લેકઆઉટમાં સહયોગ આપ્યો હતો. રાજકોટમાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલના ભાગરૂપે રાત્રે 8:00 કલાકે સાયરન વગાડીને માધાપરની ઉત્તરે રેલવે ટ્રેક વિસ્તાર, દક્ષિણે રાજકોટ-જામનગર હાઈવે, પૂર્વમાં રાજકોટ-મોરબી બાયપાસ તેમજ પશ્ચિમે નાગેશ્વર જતા રોડ સુધીના વિસ્તારમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.

જામનગરનાં ધ્રોલ અને જોડિયા તાલુકામાં બ્લેકઆઉટ

જામનગરમાં પણ સાંજે 8:00 થી 8:30 વાગ્યા દરમિયાન જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા તાલુકામાં બ્લેકઆઉટ યોજવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં આ સમયગાળા દરમિયાન અંધારપટ જોવા મળ્યો હતો, જે ઓપરેશન શિલ્ડનો એક ભાગ હતો. બોટાદ જિલ્લામાં પણ “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રિલ યોજાઈ હતી. આ ઉપરાંત, રાત્રિના 8:45 થી 9:00 કલાક સુધી બોટાદ શહેરના વિસ્તારમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.

આણંદ અને નડિયાદમાં બ્લેકઆઉટ

આણંદ જિલ્લાના વિદ્યાનગરના સમગ્ર વિસ્તારમાં રાત્રે 8:00 કલાકે સાયરન વાગતાની સાથે જ થોડા સમય માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. વિદ્યાનગરના રહેવાસીઓએ તેમના ઘર, ઓફિસ, દુકાન અને વ્યવસાયિક સ્થળો સહિતની તમામ લાઇટો બંધ કરીને આ મોકડ્રિલમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તે ઉપરાંત નડિયાદ મહાનગરપાલિકાના ડભાણ અને યોગીનગર વિસ્તારોમાં રાત્રે 8:00 થી 8:30 વાગ્યા સુધી (30 મિનિટ) બ્લેકઆઉટ યોજાયું હતું. નાગરિકોએ ઘર, વ્યવસાયિક સ્થળો અને જાહેર જગ્યાઓ પર લાઇટો બંધ રાખીને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button