અનામત અંગે ભાજપનાં મહિલા નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, તૃષ્ટિકરણની નીતિને લઈ..
અમદાવાદ: લોકસભાની ચૂંટણીથી લઈને ભારતીય જનતા પક્ષ અનામત અને સંવિધાનના મુદ્દે ઘેરાયેલી છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપના પ્રદેશમંત્રીએ અનામતને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિએ કહ્યું છે કે, ‘અનામત માથાના દુઃખાવા સમાન, તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી.’
પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, ક્યાંકને ક્યાંક તૃષ્ટીકરણની રાજનીતિના કારણે અને વોટ બેન્કની નીતિના આધારે આપણે અનામતને આજે પણ દૂર કરી શક્યા નથી. આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે. આજે દેશની અંદર આજે આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે ભારતના એક નાગરિક તરીકે આપણે શું ફરજ હોઈ શકે? ભારત અને દેશની જે પ્રોપર્ટી છે જેમની મિલકત છે તે આપણી જ છે. માટે તેનું જતન કરવાની ફરજ આપણી જ છે. માત્ર એક 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાથી તે રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી. પરંતુ આપણા રગે-રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશ માટે એક નિષ્ઠા હોવી જોઈએ. આજે ઈજરાયલ દેશ મોટા મુસ્લિમ દેશને હંફાવી રહ્યો છે.
આ પણ વાંચો : કોલ્ડપ્લેએ અમદાવાદનો માન્યો આભાર, કહી આ મોટી વાત
બંધારણના મુદ્દે સરકારને ભીંસ
છેલ્લા કેટલાક મહિનાઓથી વિપક્ષ અને વિશેષ કરીને કોંગ્રેસ પાર્ટી બંધારણના મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કઈ રહી છે. આ માટે પાર્ટીએ તાજેતરમાં તેના અધિવેશનમાં પણ આ મુદ્દા પર ચર્ચા કરી હતી. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોએ તેમના ચૂંટણી પ્રચારમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે જો મોદી સરકાર ત્રીજી વખત જીતશે તો તે બંધારણને નાબૂદ કરશે. વિપક્ષે રાષ્ટ્રીય ચૂંટણીઓ સહિત અનેક મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરી હતી.