ચૈતર વસાવાની પદયાત્રા મામલે ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થઈ ગઈ રકઝક

અમદાવાદઃ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિસ્માર રસ્તાઓને રિપેર કરવા માટે પદયાત્રા કાઢી હતી. આ પદયાત્રા ભાજપના બે મોટા નેતાઓ વચ્ચે રકઝકનું કારણ બની ગયુ છે.
વિસ્તારના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદનાં ધારાસભ્ય દર્શના દેશમુખ આમને સામને આવી ગયા છે. વસાવાએ એવો આક્ષેપ કર્યો છે કે દેશમુખ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યા છે. જૂનારાજ તરફ જતા રોડના રિપેર માટે ચૈતર વસાવાએ તંત્રને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. તેની આ પદયાત્રાની ટીકા વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ કરી હતી. આ અંગે પત્રકારો સાથે વાત કરતા વસાવાએ આક્ષેપ કર્યો હતો કે દર્શના દેશમુખ ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યાં છે. તેઓ વસાવાને ભાજપમાં જોડવા માગે છે, પરંતુ જો વસાવા ભાજપમાં જોડાશે તો પક્ષને જ નુકસાન થશે.
આ મામલે દર્શના દેશમુખે જવાબ આપવાની ના પાડી હતી અને મારે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી, તેમ કહ્યું હતું. સાથે તેમણે ચૈતર વસાવા લોકોની દિશાભૂલ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જ્યારે ચૈતર વસાવાએ મનસુખ વસાવાના આક્ષેપોને પાયાવિહોણા કહ્યા હતા. જોકે ભાજપના અમુક નેતાઓ આ રીતે પક્ષના નેતાઓ જાહેરમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરે તેનાથી નારાજ હોવાનું જણાય રહ્યું છે. આ અંગે નેતાઓ સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી.
આપણ વાંચો : પહેલી એપ્રિલ 2026થી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં OTP સાથે લાગુ થશે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન, RBIની મહત્ત્વની જાહેરાત