માંગરોળ નગરપાલિકાની ભાજપ પેનલ સંકટમાં, કૉંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત

અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની નગરપાલિકામાં ભુકંપ જેવો માહોલ સર્જાયો છે. અહીંની ભાજપ પેનલ હાલમાં સંકટમાં આવી ગઈ છે. ભાજપના જ 8 સભ્યએ નારાજગી વ્યક્ત કર્યા બાદ કૉંગ્રેસે પાલિકાના પ્રમુખ ક્રિષ્ણા થાપણીયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જોકે ઉપપ્રમખ આ વાતને નકારી રહ્યા છે, પરંતુ નાનકડા શહેરમાં રાજકીય ગરમાવો આવી ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
36 સભ્યની નગરપાલિકામાં 15-15 સભ્ય કૉંગ્રેસ અને ભાજપના છે. અપક્ષ અને આપના એક-એક અને બસપાના ચાર સભ્ય છે. બસપા સાથે ગઠબંધન કરી ભાજપે સત્તા સ્થાપી હતી, પરંતુ પોતાના જ પક્ષના કારભાર અને આંતરિક જૂથવાદને કારણે સત્તા હાલકડોલક થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: માંગરોળમાં અંગ્રેજી મીડિયમની સરકારી શાળાની નવી ઈમારત સામે વાલીઓનો વિરોધ…
કૉંગ્રેસે ચીફ ઓફિસરને પત્ર પાઠવ્યો હતો, જેમાં ખૂબ જ ગંભીર આક્ષેપો કરવામા આવ્યા હતા. પાલિકાના રેઢિયાર કારભાર અને પાયાની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળતા અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ એક કેસમાં કોર્ટ દ્વારા પાલિકાની મિલકતો જેવી કે ફર્નિચર, પંખા, ટેબલ અને કોમ્પ્યુટર જપ્ત કરવાની ફરજ પડી હતી, જેથી પાલિકાની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો.
હાલમાં તો ભાજપ અને બસપા આને માત્ર કૉંગ્રેસનો દુષ્પ્રચાર ગણાવી રહી છે, પરંતુ 8 સભ્યની નારાજગી ભાજપને ભારે પડી શકે તેમ છે, તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. ચીફ ઓફિસરને આપેલો પત્ર અને ત્યારબાદની કાર્યવાહી પર સૌની નજર છે, તેમ સૂત્રોએ જમાવ્યું હતું.



