
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી છે. આ દરમિયાન ભાજપ દ્વારા અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થીયરી લાગુ કરવા મન બનાવી લેવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુની વયના અને બે ટર્મથી ચૂંટાતા સભ્યોને પણ ટિકિટ નહીં આપવામાં આવે. ભાજપ આ વખતે નવા ચહેરાઓનો વધુ પ્રાધાન્ય આપશે તેવું જાણવા મળ્યું છે.
ક્યારે નામ થશે જાહેર
સૂત્રોના કહેવા મુજબ, 29-30 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તેથી 31 જાન્યુઆરીએ ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાલિકા-પંચાયતની ચૂંટણી જીતવા ભાજપ એડી-ચોટીનું જોર લગાવી રહ્યું છે અને રાજકીય કવાયત તેજ કરી રહ્યું છે ત્યારે અમરેલી લેટર કાંડ, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન જેવા મુદ્દા ભાજપને ભીંસમાં મૂકી શકે છે. ભાજપમાં આંતરકલહ વધ્યો છે. પાલિકા-પંચાયતની ચૂંટણી આડે માત્ર 15 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભાજપમાં ભભૂકતાં આંતરિક વિવાદની અસર પણ પડી શકે છે. આ ચૂંટણીમાં ટિકિટ માટે પૂરજોશમાં લોબિંગ થઈ રહ્યું છે. આ કારણોસર ઉમેદવારની પસંદગીમાં પણ જૂથવાદ નડશે તેવો ભાજપને ડર સતાવી રહ્યો છે.
ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન
ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યા બાદ પાલિકા-પંચાયતમાં પણ દબદબો કાયમ રાખવા ભાજપે ઉમેદવારોની પસંદગી કરવા નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. તેઓ દાવેદારોના નામની પેનલ તૈયાર કરીને મોવડી મંડળને મોકલી આપશે. જે બાદ મંજૂરીની મહોર મારવામાં આવશે.
આ પણ વાંચો…તુષાર શુક્લ, પંકજ ઉધાસ, કુમુદિની લાખિયા સહિત 9 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર
ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 66 નગરપાલિકાની 2178 બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. તેમજ ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.