અમદાવાદ

અમદાવાદને મોટી રાહત: સરખેજ-ફતેવાડીમાં ₹159 કરોડનો ST P પ્લાન્ટ, 12 લાખથી વધુ લોકોને ગટરની સમસ્યામાંથી મળશે મુક્તિ!

અમદાવાદઃ શહેરમાં દિન-પ્રતિદિન વધતી જતી વસ્તી અને શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ વિસ્તારના બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં રહેતા 12 લાખથી વધુ લોકોને નાગરિકોને ડ્રેનેજની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સરખેજ-ફતેવાડી ખાતે રૂ. 159 કરોડના ખર્ચે નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) અને ડ્રેનેજ લાઇન નાખવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત કોન્ટ્રાક્ટર ખિલાડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને 32 ટકા ઓછા ભાવે સોંપવામાં આવશે. બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ વિસ્તારોની જુદી જુદી ટી.પી. સ્કીમોમાં રહેણાંક અને કોમર્શિયલ ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે જેના કારણે ડ્રેનેજનો ફ્લો વધશે. આ વિસ્તારમાં ગટરના પાણી બેક મારતા હોવા અંગેની સમસ્યાઓ ઉદભવી રહી છે. નીચાણવાળા વિસ્તારો જેવા કે દક્ષિણ બોપલ, શાંતિપુર સર્કલ પાસે એપલવોડ ટાઉનશીપ સામેનો વિસ્તાર, સરખેજના એસ.પી રીંગ રોડને સમાંતર વિસ્તારોમાં મક્તમપુરા, સનાથલ જેના વિસ્તારોમાં માળખાગત ડ્રેનેજ નેટવર્કની સુવિધાના અભાવે ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારોમાં રસ્તા ઉપર પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત આવે છે. જેથી નવી ડ્રેનેજ લાઈન અને સુએજ પંપીંગ સ્ટેશન બનાવવાની જરૂરિયાત ઊભી થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો એસટીપી પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

શહેરના ફતેવાડી વિસ્તારમાં આગામી વર્ષ 1236 અને 1250ને ધ્યાનમાં રાખીને શાંતિપુરા સર્કલથી સાબરમતી નદી સુધી 2400 એમએમની પાઇપલાઇન રાખવા સાથે નવું ડ્રેનેજ પંપીંગ સ્ટેશન અને એસટીપી બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઓડિટર અને કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડરમાં આવેલી કંપનીઓની ક્વોલિફિકેશન અને ડોક્યુમેન્ટ વગેરે તપાસવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટર ખિલારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અંદાજિત રકમ દ્વારા 32 ટકા ઓછા ભાવ ભરવામાં આવ્યા હતા. જેમાં 134 કરોડના ખર્ચે નવો એસટીપી અને 10 વર્ષના ઓપરેશન મેન્ટેનન્સના 35 કરોડ સાથે કુલ 159 કરોડના ખર્ચે એસટીપી બનાવવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આપણ વાંચો:  ગીર-ગઢડા તાલુકામાં બે વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી, બે દિવસમાં ત્રીજી ઘટના

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button