રક્ષાબંધન પર બહેનોને મોટી ભેટ: BRTS અને AMTSમાં મહિલાઓ કરી શકશે ફ્રીમાં મુસાફરી

અમદાવાદઃ આ વર્ષે રક્ષાબંધનનો પાવન તહેવાર આવતીકાલે નવમી ઓગસ્ટના ઉજવાશે. ભાઈ-બહેનના અભિન્ન પ્રેમ અને જોડાણના પ્રતિકરૂપ આ તહેવાર પર બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમની પાસે જાય છે. તેમના આ અનમોલ યાત્રાને વધુ આરામદાયક અને સરળ બનાવવાના હેતુથી અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા એક સરાહનીય પગલું લેવામાં આવ્યું છે. BRTSમાં રક્ષાબંધનના દિવસે એટલે કે આવતીકાલે સવારના ૬:૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦:૪૫ વાગ્યા સુધી તમામ મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.
આ વ્યવસ્થા માત્ર મહિલાઓ માટે જ લાગુ રહેશે. તેમની સાથે મુસાફરી કરતા અન્ય પુરુષો અથવા બાળકો માટે નિયત ભાડું ભરીને ટિકિટ લેવી ફરજિયાત રહેશે. આ જાહેરાતથી સ્પષ્ટ છે કે મહિલા સુરક્ષા અને સન્માનના ભાવ સાથે પરિવહન સેવા વધુ સહજ બની રહી છે. આમ, BRTS દ્વારા કરવામાં આવેલી આ પહેલને શહેરના સામાજિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણી શકાય એમ છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) દ્વારા રક્ષાબંધનના દિવસે શહેરની તમામ બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા જાહેર કરવામાં આવી છે. વહેલી સવારથી મોડી રાત સુધી ચાલતી તમામ બસોમાં મહિલાઓ કોઈ પણ ટિકિટ ચાર્જ વિના મુસાફરી કરી શકશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સિટી બસમાં પણ મહિલાઓ માટે આ જ પ્રકારની મફત સેવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા જતી વખતે રિક્ષા કે અન્ય વાહનોના ભાડાનો વ્યય ટાળી શકે. તે ઉપરાંત નવસારી નગરપાલિકાએ પણ રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. નવસારી સિટી બસમાં રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમિયાન બહેનો મફત મુસાફરીનો લાભ લઈ શકશે. આ પગલાથી બહેનોને તહેવારની ઉજવણીમાં મદદ મળશે.
આપણ વાંચો: દેશની રક્ષા કરતા જવાનો માટે 53 હજાર આંગણવાડીની બહેનોએ 3.5 લાખથી વધુ રાખડીઓ મોકલી