
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી હેરાન લોકોને હવે રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી સૌથી ઠંડું
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના એકપણ જીલ્લામાં વરસાદ નોંધાયો ન હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહ્યું હતું. આ દરમિયાન, રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. મંગળવારે રાત્રે સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ અમરેલી ખાતે નોંધાયું હતું, જે આ પ્રદેશમાં ઠંડીનો પ્રારંભ સૂચવે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં નીચું ગયું હતું.
મુખ્ય શહેરોમાં તાપમાનની સ્થિતિ
દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્યની આસપાસ રહ્યું હતું. ભુજ ખાતે સૌથી વધુ ૩૪ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અન્ય મુખ્ય શહેરોમાં તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨ અને લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી, રાજકોટમાં મહત્તમ ૩૩ અને લઘુત્તમ ૨૦ ડિગ્રી, અને સુરતમાં મહત્તમ ૩૨ અને લઘુત્તમ ૨૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, ઉત્તર ગુજરાતમાં રાત્રિનું તાપમાન હજુ પણ સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે.



