GSSSB ની ૩ પરીક્ષાઓની સમય-તારીખમાં મોટો ફેરફાર! નવી તારીખો અને સમય અહીં જુઓ

અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે, કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ત્રણ ભરતીની પ્રાથમિક પરીક્ષાની તારીખ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ નિર્ધારિત કરવામાં આવેલી તારીખ અને સમયમાં ફેરફારની ઉમેદવારોને નોંધ લેવા માટે વિનંતી કરવામાં આવી હતી.

કઈ પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર?
માહિતી અને પ્રસારણ વિભાગ/માહિતી નિયામક કચેરી હસ્તકની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાની તારીખ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત અનુસાર આગામી 25 નવેમ્બરના રોજ સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા યોજવાની હતી. જો કે હવે મંડળ દ્વારા વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે આ પરીક્ષા આગામી 15-12-2025 (સોમવાર) યોજાશે.

તે ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને અધિક નિયામક, તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી હસ્તકની ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની પરીક્ષા 26-11-2025ના રોજ સવારે 9થી 12 વાગ્યાના સમયે યોજાશે. તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ / મુખ્ય નગર નિયોજક, નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાની કચેરી હસ્તકની સર્વેયરની પરીક્ષા 26-11-2025ના રોજ બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાના સમયે યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે માહિતી અને પ્રસારણ વિભાગ/માહિતી નિયામક કચેરી હસ્તકની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત અનુસાર આગામી 25 નવેમ્બરના રોજ સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે અન્ય ભરતી જાહેરાતની જેમ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો હોવાથી ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા હતા. જો કે અનેક રજૂઆતો બાદ મંડળે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કર્યો હતો.



