અમદાવાદ

ઈન્ટરનેશનલ સાયબર રેકેટના મૂળ ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકમાં નીકળ્યા, 11 સામે ગુનો

અમદાવાદઃ ભાવનગરમાં આવેલી ઈન્ડસઈન્ડ બેંક સુધી ઇન્ટરનેશનલ સાયબર રેકેટના તાર જોડાયેલા નીકળતા ચકચાર મચી હતી. સાયબર સેલે દિવસો સુધી ચોકસાઈથી તપાસ કર્યા બાદ બેન્કના મેનેજર, કર્મચારી અને અન્ય ૯ મળી કુલ ૧૧ લોકો સામે ગનો દાખલ કર્યો હોવાની માહિતી મળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઈન્ડસઈન્ડ બેન્કની ભાવનગરની શાખાના ૧૧૦ શંકાસ્પદ ખાતામાં જમા થયેલા રૂ. ૮ કરોડની તપાસમાં પોલીસને વધુ ૧૩૦ શંકાસ્પદ બેંક ખાતા મળ્યા હતા. આ બેંક ખાતાની તપાસ કરી સ્ટેટ સાયબર સેલે મોટો ઘટસ્ફોટ કરતા ઈન્ટરનેશનલ સાયબર રેકેટનો પર્દાફાશ કરી રૂ. ૭૧૯ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડનો ભાંડાફોડ કર્યો હતો. પોલીસ તપાસમાં રૂ. ૭૧૯ કરોડ જમા થયા છે, એવા ૧૩૦ બેંક ખાતાઓ સામે દેશભરમાં એનસીસીઆરપી પોર્ટલ પર ૧૪૪૭ લોકોએ ભોગ બન્યાની ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: સાયબર ફ્રોડની તાત્કાલિક જાણ કરવાથી 23 લાખ કેસોમાં ₹7,130 કરોડ બચ્યા

દિલ્હી ખાતે આવેલી ફાઈનાન્સિયલ ઈન્ટેલીજન્સ યુનિટ દ્વારા સ્ટેટ સાયબર સેલને ડેટા પુરા પાડવામાં આવ્યા હતા કે, ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકમાં ખુલેલા ૧૧૦ શંકાસ્પદ બેંક ખાતામાં રૂ. ૧૩.૭૨ કરોડના ટ્રાન્ઝેકશન થયા છે. આ બેંક ખાતાઓ પૈકી ૮૭ બેંક ખાતા સામે એનસીસીઆરપી (નેશનલ સાયબર ક્રાઈમ રિપોટ’ગ પોર્ટલ) પર રૂ. ૮.૧૯ કરોડના સાયબર ફ્રોડની ૧૪૭ ફરિયાદો થયેલી છે. આ ખાતાની સ્ટેટ સાયબર સેલે તપાસ શરૂ કરી હતી.

જે તપાસમાં ઘટસ્ફોટ થયો કે આ શંકાસ્પદ બેંક ખાતામાં જાન્યુ-૨૦૨૫ થી જુલાઈ-૨૦૨૫ દરમિયાન રૂ. ૧૩ કરોડથી વધુનું ટ્રાન્ઝેકશન થયું હતું. આ બેંક ખાતામાં જે ખાતામાંથી પૈસા આવ્યા તેવા વધુ ૧૩૦ બેંક એકાઉન્ટ સામે એનસીસીઆર પોર્ટલ પર દેશભરમાં રૂ. ૭૨૦ કરોડના સાયબર ફ્રોડની ૧,૪૪૭ ફરિયાદ નોંધાયેલી છે. સાયબર સેલે આ મામલે જાફરાબાદના વાતની અને છેલ્લા આઠેક મહિનાથી બેંકના રીલેશનશિપ મેનેજર પદે ફરજ બજાવતા પાર્થ ઉપાધ્યાય (ઉં. વ.૩૬) અને પૂર્વ બીડીએમ અબુ બકરબિનઅલી શેખ (ઉં. વ. ૨૯)ની પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં સ્પષ્ટ થયું કે, આ બેંક ખાતા ભલામણથી ખોલવામાં આવ્યા હતા.

આ બેંક ખાતા ખોલવા માટે મહેન્દ્ર મકવાણા, અલ્પેશ મકવાણા, મહિપાલસિંહ ગોહિલ, જયરાજસિંહ રાયજાદા, પાર્થરાજસિંહ સોલંકી, વિપુલ ડાંગર, પ્રતિક વાઘાણી ખાતા ધારક શોધી લાવતા હતા. તેઓ રૂબરૂ ભલામણ તો ક્યારેક ફોનથી ભલામણ કરી ખાતુ ખોલાવતા હતા. આ રીતે બેંક દ્વારા આપવામાં આવેલો ઈન્સ્યુરન્સ ટાર્ગેટ પુરો કરવામાં તેઓ મદદ કરતા હોવાનું બેંક અધિકારીએ જણાવ્યું હતું. સ્ટેટ સાયબર સેલે બેંક અધિકારી પાર્થ પ્રફુલ્લ ઉપાધ્યાય, અબુબકરબિન અલી શેખ અને મહેન્દ્ર રમેશ મકવાણા, અલ્પેશ ધનશ્યામ મકવાણા, મહિપાલસિંહ ગોહિલ. ઈમરાન અહેઝાન,જયરાજસિંહ બળવંતસિંહ રાયજાદા, પાર્થરાજસિંહ સોલંકી, ગુરુનામસિંગ રામસિંગ સરદાર, દિવ્યરાજસિંહ ઝાલા અને વિપુલ ડાંગર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button