ભરૂચના ગુમ થયેલા સ્પા સંચાલકની હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ભરૂચના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી એક યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો, જ્યાં તપાસ દરમિયાન મૃતકની ઓળખ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા અને સ્પા વ્યવસાય સાથે સંકળાયેલા કૃણાલ પટેલ તરીકે થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી રહસ્યમય રીતે ગુમ હતો, જે અંગે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ કે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ હતી.
પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અજાણ્યા શખ્સોએ કૃણાલના હાથ-પગ બાંધી ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને વાગરા નજીક અવાવરુ જગ્યાએ ફેંકી દીધો હતો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યા પાછળનું ચોક્કસ કારણ અને તેમાં સંડોવાયેલા શખ્સોને પકડી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



