ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે પર મુંબઈના ટ્રાફિક જેવો અનુભવ, ઉદ્યોગોને પણ અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ મોટા શહેરોમાં ટ્રાફિક જામથી જેમ માનવજીવન ખોરવાઈ છે, તેમ હાઈ વે પરના ટ્રાફિકને લીધે વેપાર-ધંધા, ઉદ્યોગોને નુકસાની વેઠવી પડે છે. સરળ અને ઝડપી પરિવહન ઉદ્યોગો માટે ખૂબ જ જરૂરી છે. હાલમાં ભરૂચથી દહેજ જવાનો રસ્તો વાહનચાલકો માટે દુઃસ્વપ્ન જેવો બની ગયો હોવાની ફરિયાદો તેઓ કહી રહ્યા છે.
અહીં ઔદ્યોગિક ક્ષેત્રો સાથે જોડાયેલા એક લાખ લોકો માટે આ રસ્તો સમય,શક્તિ અને ઈંધણ તમામનો વેડફાટ થઈ રહ્યો છે. ઔદ્યોગિક પટ્ટાના મુખ્ય માર્ગ ભરૂચ-દહેજ માર્ગ પર ખરાબ રસ્તાની સ્થિતિ અને ટ્રાફિક ઔદ્યોગિક ઉત્પાદનને પણ અસર કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે અનેક પરિબળોને કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હેઠળ ભરૂચ અને દહેજ વચ્ચેના 48 કિલોમીટરના પટ્ટાને ફરીથી વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં બ્રિજ, ફ્લાયઓવર અને રોડનું બાંધકામ સામેલ છે. આ કામ ચાલી રહ્યું છે અને સતત વરસાદ પડી રહ્યો હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે.
આપણ વાચો: વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર અંકલેશ્વાર પાસે એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને મંજૂરી
વડોદરા-ભરૂચ એક્સપ્રેસ વે એક્ઝિટને લીધે સમસ્યા વધુ ગંભીર બની છે, જે દક્ષિણ ગુજરાતને અમદાવાદ એક્સપ્રેસ વે અને વાસદ-વટામણ હાઇવેને સૌરાષ્ટ્ર સાથે જોડે છે. દક્ષિણ ગુજરાત અને મુંબઈથી હજારો વાહનો ભરૂચ એક્ઝિટનો ઉપયોગ કરે છે. આથી આ પટ્ટો ખૂબ વ્યસ્ત બની ગયો છે.
મહિલાઓ માટે મોટી મુસિબત
સૂત્રોના જણાવ્યા અનુસાર દરરોજ લગભગ 2,000 સ્ટાફ બસો કર્મચારીઓને દહેજ લઈ જાય છે, જ્યારે ભારે ટ્રકો સહિત 70,000 થી વધુ વાહનો આ જ રૂટનો ઉપયોગ કરે છે. રસ્તાની ખરાબ હાલત અને લાંબા મુસાફરીના સમયને કારણે ખાસ કરીને મહિલા કર્મચારીઓએ ઘર-પરિવાર અને કામકાજના કલાકો વચ્ચે સમતુલા જાળવવાનું અઘરું થઈ ગયું છે. આ સાથે લાંબો સમય બસમાં બેસી રહેવાથી અને શૌચાલયો ઉપલબ્ધ ન હોવાથી પણ પરેશાની થાય છે.
નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સૂત્રોના કહેવા અનુસાર ભરૂચ-નવસારી હાઇ વેનો ભાગ અંતિમ તબક્કામાં છે. એકવાર તે ખુલી ગયા પછી, મોટાભાગનો એક્સપ્રેસ વેનો ટ્રાફિક ભરૂચને બાયપાસ કરશે, આથી આ સમસ્યા હળવી થઈ જશે.



