અમદાવાદ

ઓલા-ઉબરને ટક્કર: અમદાવાદ-ગાંધીનગરમાં ‘ભારત ટૅક્સી’ના શ્રીગણેશના સંકેત, મુસાફરોને સસ્તું ભાડું મળશે!

અમદાવાદ: ટૂંક સમયમાં ગુજરાતમાં ઓલા-ઉબર જેવી ખાનગી રાઈડ સર્વિસ જેવી સહકારી ટેક્સી સેવા ‘ભારત ટૅક્સી’ શરૂ થવાના સંકેત છે. ગુજરાતમાં પણ આ સેવાનો આરંભ થઈ શકે છે. આ માટે સહકાર વિભાગ દ્વારા રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની મંજુરી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત આ માટે ડ્રાઈવરને પણ પોતાની સાથે જોડવામાં આવી રહ્યા છે. આથી ટૂંક સમયમાં આ સર્વિસનો લાભ ગાંધીનગર અને અમદાવાદને મળે તેવા સંકેત મળી રહ્યા છે. જેનાથી બેફામ ભાડા, મનસ્વી અને તોછડા વ્યવહારની સામે સારો વિકલ્પ મળી રહેવાનો છે.

કેન્દ્ર સરકારે ભારત ટૅક્સી (Bharat Taxi) નામની કૅબ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ ઓલા (Ola), ઉબર (Uber) જેવી ખાનગી કૅબ સર્વિસ કંપનીઓ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. કારણ કે, આમાં કાર માલિકો કે ડ્રાઇવરોએ કંપનીને કોઈ કમિશન ચૂકવવું પડશે નહીં, એટલે કે સમગ્ર કમાણી સીધી તેમના ખિસ્સામાં જશે. આ કારણોસર, તેઓ ઓલા, ઉબર કે અન્ય કૅબ સર્વિસને બદલે ભારત ટૅક્સીની પસંદગી કરશે.

‘ભારત ટૅક્સી’ (Bharat Taxi) એ એક સરકારી કૅબ સર્વિસ છે, જેને સહકારિતા મંત્રાલય અને રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ ડિવિઝન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આમાં ડ્રાઇવર પાસે પણ માલિકી હક હશે. આ માટે તાજેતરમાં સહકાર ટૅક્સી કો-ઓપરેટિવ લિમિટેડ સાથે ભાગીદારી પણ કરવામાં આવી છે. આ એક સભ્યપદ આધારિત મૉડલ છે, જેનું સંચાલન સહકાર ટૅક્સી કો-ઓપરેટિવ લિમિટેડ કરશે. આ બિલકુલ અમૂલ જે રીતે કામ કરે છે, તે જ રીતે કાર્ય કરશે. તેની સ્થાપના જૂન મહિનામાં ₹300 કરોડની રકમ સાથે કરવામાં આવી હતી.

‘ભારત ટૅક્સી’ની ઍપ નવેમ્બરથી ડાઉનલોડ કરી શકાશે. શરૂઆતમાં આ ઍપ હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ હશે. ડિસેમ્બર 2025 થી માર્ચ 2026 સુધીમાં રાજકોટ, મુંબઈ અને પુણે માં આ સર્વિસ શરૂ થઈ જશે. એપ્રિલથી ડિસેમ્બર 2026 ની વચ્ચે લખનઉ, ભોપાલ અને જયપુરમાં તેની શરૂઆત થશે. વર્ષ 2027-28માં તેને 20 શહેરોમાં અને 2028-2030ની વચ્ચે જિલ્લા મુખ્ય મથકો તથા ગામડાઓ સુધી વિસ્તારવામાં આવશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button