અમદાવાદમાં આજે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સવારે ૧૧:૦૦ કલાકે ટાગોર હોલ, પાલડી-અમદાવાદ ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પ્રધાન ડો. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ ૩૦ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવશે.

જેમાં ગાંધીનગરના રૂપાલના શિક્ષક, સાહિત્યકાર, લેખક, સમીક્ષક અને સામાજિક કેળવણીકાર ડૉ. પ્રહલાદ ચૌધરીને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે. તેઓ 16 વર્ષથી વરદાયિની માતા હાઈસ્કૂલ રૂપાલ ખાતે ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે કાર્યરત છે. ડૉ. પ્રહલાદ ચૌધરીએ માતૃભાષામાં કેળવણી માટે વ્યાકરણ સજ્જતાથી લઈ રંગભૂમિ સુધી સફર ખેડી છે.

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર હાઈસ્કૂલના બહુપ્રતિભાશાળી શિક્ષક દેવાયતભાઈ કરંગીયાને રાજ્ય કક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-2025’થી સન્માનિત કરાશે. શિક્ષક દેવાયતભાઈ કરંગીયા બાળકોને શિક્ષણની સાથે રમત-ગમત તથા દેશના ભવિષ્યને ઉન્નત બનાવવા એન.સી.સી તથા સ્કાઉટ અને ગાઈડની તાલીમ આપી રાષ્ટ્ર નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

પાદરા તાલુકાના લુણા ગામની શાળાને શિક્ષણ, સેવા અને સંસ્કાર સાથે જોડનાર શિક્ષિકા સોનલબેન પઢિયારને ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-2025’થી સન્માનિત કરાશે. લોકસહયોગથી શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળા અને દીકરોઓ માટે સીવણ-બ્યુટીપાર્લરના વર્ગો શરૂ કર્યા છે. શિક્ષિકાના કહેવા મુજબ, શાળાને માત્ર ભણાવવાનું કેન્દ્ર નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું માધ્યમ બનાવવું એ મારો ઉદ્દેશ છે. આ એવોર્ડ મને વધુ ઉત્સાહ આપે છે અને સાથે સાથે વધુ જવાબદારી પણ આપે છે.” શાળાના તમામ છાત્રો અમારા જ બાળકો છે.