પંચાયત ચૂંટણીમાં ‘સંબંધો’નો જંગ: વેવાણે વેવાણને તો પુત્રને પિતાએ હરાવ્યા, જાણો પરિણામના રોચક કિસ્સા

અમદાવાદઃ ગુજરાતમાં 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું ચિત્ર આજે સાંજ સુધીમાં જાહેર થશે. અત્યાર સુધીમાં અનેક ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે.

જૂના ઉગલા ગામે વેવાણે જ વેવાણના 10 વર્ષના શાસનનો અંત આણ્યો
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો વચ્ચે જંગ હતો. જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ 606 મતે આખી પેનલ સાથે હરાવ્યા હતા.. જયાબેન નરશીભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીત્યા હતા.
અમરેલીના વડીયામાં 80 વર્ષના દાદીનો વિજય
અમરેલીમાં વડીયામાં 80 વર્ષના મોતીબેન ડાયાભાઈ સોંદરવા વિજેતા બન્યા હતા. તેમની 386 વોટથી જીત થઈ હતી. જીતની સાથે દાદી ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
ડાંગમાં પુત્રને હરાવી પિતા બન્યા સરપંચ
ડાંગના ગલકુંડ ગ્રામ પંચાયતમાં પણ અનોખો કિસ્સો સામે આવ્યો હતો. અહીં પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ સરપંચની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. પિતાએ 576 મતની લીડ સાથે પુત્રને હાર આપી હતી.
આપણ વાંચો ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામોઃ જાણો ક્યાં કોણ જીત્યું…
ગાંધીનગરની નાદરી ગ્રામ પંચાયતમાં ટાઈ બાદ ચિઠ્ઠીથી વિજેતા થયા નક્કી
ગાંધીનગર જિલ્લાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના બંને ઉમેદવારોને સરખા મત એટલે કે 338-338 મત મળ્યા હતા, જેથી ટાઇ સર્જાઇ હતી. જેથી ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી ઉછાલતાં હાર્દિક બારોટનું નામ ખૂલ્યું હતું. પરેશ બારોટને હારનો સામનો કરવો પડ્યો હતો.