અમદાવાદમાં લગ્નજીવનનો 4 વર્ષમાં જ કરૂણાંત, નાના ઝગડામાં પતિએ પત્નિની હત્યા કરી ને પછી આપઘાત કરી લીધો…

અમદાવાદઃ શહેરમાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારમાં પતિએ પત્નિની હત્યા બાદ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા દંપતી વચ્ચે થયેલા ઝગડાએ લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. જે બાદ તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો.
4 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન
બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા આ દંપતીના 4 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કોઈ પારિવારિક કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા પતિએ આવેશમાં આવી પત્નિના ગળા અને ડાબા હાથના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાઓને કારણે પત્નિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્નિની હત્યા કર્યા બાદ ગભરાયેલા અથવા પસ્તાવો અનુભવતા પતિએ પણ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક મહિલા આસપાસની સોસાયટીઓમાં ઘરકામ (કચરા-પોતા) કરીને પરિવારને આર્થિક મદદ કરતી હતી. બનાવની જાણ થતા જ બાપુનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતી.

પોલીસે તપાસ શરૂ કરી
પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે શું પતિએ આત્મહત્યા કરતા પહેલા કોઈ ચિઠ્ઠી લખી છે કે કેમ, છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે કોઈ ગંભીર વિવાદ ચાલતો હતો કે કેમ? એફએસએલની મદદથી મકાનમાંથી લોહીવાળું હથિયાર અને અન્ય પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.
રાજકોટમાં પણ બની હતી આવી ઘટના
થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ આવી ઘટના બની હતી. થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા ક્વાર્ટરમાં ઘટના બની હતી. નીલેશ્વરી નામની પરિણીતાને તેના પતિ યોગેશ બોરીચાએ છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
મૃતકના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને અમદાવાદની રહેવાસી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ધીમે ધીમે શરૂ થયેલી વાતચીત પ્રેમસંબંધમાં પરિણમી હતી. જે બાદ બંનેના પરિવારજનોની મંજૂરીથી લગ્ન થયા હતા. લગ્નના થોડા મહિના સુધી બંને વચ્ચે બધું બરાબર ચાલ્યું હતું અને બાદમાં નાની નાની વાતમાં ઝઘડા શરૂ થયા હતા.
ઘટના બાદ પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, યોગેશ બોરીચા કોઈ કામ ધંધો કરતો નહોતો અને તેને નશો કરવાની પણ ટેવ હતી. આર્થિક સંકડામણના કારણે પતિ-પત્ની વચ્ચે ઝગડાઓ થતા હતા. ઘરકંકાસથી કંટાળીને મૃતક બનાવના ચાર-પાંચ દિવસ પહેલા પતિનું ઘર છોડીને તેની બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી.
યોગેશ બોરીચા તેની પત્ની જ્યાં રોકાઈ હતી ત્યાં પહોંચ્યો હતો અને બોલાચાલી શરૂ કરી હતી. થોડી જ વારમાં ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા પતિએ તેની પાસે રહેલી છરી કાઢીને પાંચ જેટલા ઘા પત્નીને ઝીંકી દીધા હતા. જેના કારણે લોહીલુહાણ થઈને ત્યાં જ ફસડાઈ પડી હતી. આ બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.



